Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પોરબંદરમાં ઝડપાયેલા નકલી કિન્નરોને પોલીસે લોકોને હેરાન નહીં કરવા સમજાવ્‍યા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ : હાઇવે ઉપર વાહન ચાલકો પાસે ઉઘરાણા કરતા ઝડપાયેલા નકલી કિન્નરોને પોલીસે તેમને લોકોને હેરાન નહીં કરવાનું સમજાવીને જવા દીધા હતાં.

કોલીખડા, વનાણા ટોલનાકા હાઇવે પર કેટલાક કિન્નરો વાહન ચાલકો ને પરેશાન કરતા હોવાની ફરીયાદો ઉઠતા કિન્નરોના મઠમાં ચાર વર્ષથી ગાદીપતિ તરીકે સેવા આપતા મઠના માતા નાયક પારૂલ દે (સીમાદે માયાદે) હાઇવે પર દોડી ગયા હતા. અને વાહન ચાલકો પાસે ઉઘરાણા કરી રહેલા કીન્નરોની પુછપરછ કરતા પુરૂષો હોવાનું જણાવતા પારૂલદે ચોંકી ઉઠયા હતા અને તેઓને ઉદ્યોગનગર પોલીસ ને સોંપી દીધા હતા. પારૂલદેએ જણાવ્‍યું હતું કે હાઇવે પર નકલી પાવૈયાઓનો ત્રાસ વધતો જાય છે. તેમાંથી ઘણા ખરા શખ્‍સો પુરૂષો છે અને કિન્નરોના સ્‍વાંગમાં ઉઘરાણા કરી રહ્યા છે. પીએસઆઇ શીતલ સોલંકીએ જણાવ્‍યું હતું કે, પારૂલદે દ્વારા સોંપવામાં આવેલા કીન્નરોની પુછપરછ કરતા તેઓ ભાવનગર પંથકના હોવાનું સામે આવ્‍યું હતું. તેઓને સ્‍પષ્‍ટ સુચના આપીને લોકોને હરાન ન કરવા જણાવ્‍યું છે અને તેમના વિસ્‍તારમૌં ચાલ્‍યા જવા સમજાવ્‍યું હતું.

(1:15 pm IST)