Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગોંડલના ભોજપરા ગામે ગોડાઉનમાંથી ૧૩.૯૮ લાખનો નોન આલ્‍કોહોલ બિયરનો જથ્‍થો પકડાયો

બિયરની બોટલો પરિક્ષણ માટે એફ.એસ.એલ.માં મોકલાઇઃ રીપોર્ટ બાદ કાર્યવાહી

રાજકોટ તા. ૯ : ગોંડલના ભોજપરા ગામે તાલુકા પોલીસે રેઇડ કરી ૧૩.૯૮ લાખનો નોન આલ્‍કોહોલ બિયરનો જથ્‍થો પકડી પાડયો હતો. તાલુકા પોલીસે બિયરની બોટલો પરિક્ષણ માટે એફ.એસ.એલ.મા મોકલી છે.

મળતી વિગતો મુજબ તાલુકા પોલીસે ભોજપરા ગામે રમેશભાઇ ભનુભાઇ ઘેલાણીની માલીકીના ગોડાઉનમાં લતિફભાઇ ઉર્ફે રાણો, અનવરભાઇ સજાતના કબજા ભોગવટાવાળા ગોડાઉનમાં રેઇડ કરી એસ.કે.બેવરજીસના નામે ભેળસેળ યુકત શંકાસ્‍પદ નોન આલ્‍કોહોલીક બિયર ડ્રીંકસની અલગ-અલગ ફલેવરની કાચની બોટલ ર૩,૩૧૬ કિંમત રૂપીયા ૧૩,૯૮,૯૬૦ તથા માલ્‍ટ એકટ્રેકટ લુઝ એડલટ્રંટનું એસેન્‍સ ફલેવરનો ૪૮ કિલો કિંમત રૂા. ર.૧૬૦ મળી કુલ રૂપિયા ૧૪.૦૧,૧ર૦ મુદામાલ કબ્‍જે કર્યો હતો. તાલુકા પોલીસે પકડાયેલ બિયરના બોટલો પરિક્ષણ અર્થે એફ. એસ. એલમાં મોકલેલ છે એફ.એસ.એલના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું.

આ કાર્યવાહી તાલુકાના પી.એસ.આઇ. એમ.જે.પરમાર, ડી.પી.ઝાલા, હેડ કો. મદનસિંહ ચૌહાણ, વિપુલભાઇ ગુજરાતી, ક્રિપાલસિંહ ઝાલા તથા પૃથ્‍વીરાજસિંહ ગોહિલ સહિતનો સ્‍ટાફ જોડાયો હતો

(12:58 pm IST)