Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

માળીયામિંયાણાના પડતર પ્રશ્નો મુદ્દે આઠમા દિવસે ઉપવાસ આંદોલનનો અંત

મોરબી-માળીયામિંયાણા,તા. ૯ : માળીયામિંયાણા તાલુકાના ૧૫ જેટલા પડતર પ્રશ્નો મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરી વિવિધ પ્રશ્નોને વાચા આપતા સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈ સંધવાણીની આખરે ૧૫ જેટલા વિવિધ વિકાસના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી મામલતદારે આપતા તેઓના હસ્તે પારણા કરી ઉપવાસ આંદોલનના આઠમા દિવસે આંદોલન સમેટી લેવાયુ હતુ માળીયા મામલતદાર કચેરી પાસે આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરેલા સામાજિક કાર્યકર દ્વારા ૧ જુનથી વિવિધ પ્રશ્ને આંદોલનના મંડાણ કર્યા હતા તે દરમિયાન સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈ સંધવાણી દ્વારા પડતર પ્રશ્નોને વાચા આપવા આઠ દિવસથી ઉપવાસ પર બેઠા હોય ઉપવાસ આંદોલન દરમિયાન રાજકીય સામાજિક અને મિયાણા સમાજના અગ્રણી આગેવાનોએ મુલાકાત લઈને તેઓના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યુ હતુ.

સામાજિક કાર્યકર ઝુલ્ફીકાર સધવાણી દ્વારા ચાલતા ઉપવાસ આંદોલનને આઠમા દિવસે આ ઉપવાસ આંદોલનને સંપુર્ણ ટેકો આપવા આજે માળીયા શહેરના લોકોએ માળીયા બંધ રાખવા નક્કી કર્યુ હતુ અને માળીયા તાલુકાના હિતમાં ચાલી રહેલ આ આંદોલનમાં શહેરીજનો અને બહોળી સંખ્યામાં મિયાણા સમાજના અગ્રણી આગેવાનો જોડાઈ ઉપવાસી ઝુલ્ફીકાર સંધવાણીના સમર્થનમા હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા જેમા સામાજિક કાર્યકરની જીત થઈ હોય તેમ બહોળી સંખ્યામાં હાજર રહેલા ગુજરાત મિયાણા સમાજના પ્રમુખશ્રી અકબરભાઈ ભટી તેમજ મિંયાણા સમાજના ધર્મગુરુઓ અને માળીયા સુન્ની મુસ્લીમ જમાત અને અગ્રણીઓ તેમજ આગેવાનો સાથે મોટી સંખ્યામાં માળીયા શહેર અને ગ્રામ્યના લોકોએ બહોળો પ્રતિશાદ આપી જોડાયા હતા આમ માળીયા મિયાણા સમાજ અને રાજવી પરીવારના સભ્ય પૃથ્વીરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં માળીયા મામલતદારે તમામ પ્રશ્નોના ઉકેલની સાથે નિરાકરણ લાવવાની ખાતરી આપતા મામલતદારના હસ્તે સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈ સંધવાણીએ પારણા કરી આંદોલનને સમેટી લીધુ હતુ.

(1:08 pm IST)