Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ દ્વારા કચરાપેટી અને ટ્રીગાર્ડને હારતોરા કરી શ્રદ્ધાંજલિ આપી અનોખો વિરોધ કર્યો

મહાનગરપાલિકા સંકુલમાં છેલ્લા ત્રણ વર્ષથી જુદી જુદી જગ્યાઓએ ટ્રીગાર્ડ અને ડસ્ટબીન ધુળ ખાઈ રહયા હોવાથી વિપક્ષીનેતા આનંદ રાઠોડ અને વિપક્ષી નગરસેવકોએ આક્રોશ ઠાલવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯

જામનગર મહાનગર પાલિકામાં વિરોધ પક્ષ દ્વારા કોર્પોરેશન સંકુલમાં લાંબા સમયથી ધૂળ ખાતા ટ્રીગાર્ડ અને કચરાપેટી ને પુષ્પ હાર ચડાવી શ્રદ્ધાંજલિ  અર્પણ કરી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદાજુદા જગ્યાઓએ ટ્રીગાર્ડ અને ડસ્ટબીન મૂકવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે લાખો રૂપિયાના ખર્ચે ટ્રીગાર્ડ અને ડસ્ટબીન વસાવવામાં આવ્યા છે. પરંતુ મહાનગર પાલિકા સંકુલમાં છેલ્લા ત્રણ વર્ષથી જુદી જુદી જગ્યાઓએ ટ્રીગાર્ડ અને ડસ્ટબીન ધુળ ખાઈ રહયા છે. જેને લઇને જામનગર મહાનગર પાલિકાના વિપક્ષીનેતા આનંદ રાઠોડ અને વિપક્ષી નગરસેવકોએ મહાનગર પાલિકા સંકુલમાં પડેલા આ ટ્રીગાર્ડ અને ડસ્ટબીનને ફૂલહાર ચડાવી ને શ્રદ્ધાંજલિ આપી અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી લાખો રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકામાં ટ્રીગાર્ડ અને ડસ્ટબીન ધૂળ ખાય છે અને લોકોને ઉપયોગમાં પણ નથી આપવામાં આવતા ત્યારે તાત્કાલિક જામનગરના શહેરીજનોને આ ટ્રીગાર્ડ અને ડસ્ટબીન આપવામાં આવે તે માટે વિપક્ષે સત્તાપક્ષ અને અધિકારીઓની આંખો ખોલવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

જામનગર મહાનગરપાલિકામાં ટ્રીગાર્ડ અને ડસ્ટબીનને શ્રદ્ધાંજલિ આપવા ના અનોખા કાર્યક્રમમાં વિપક્ષીનેતા આનંદ રાઠોડ ઉપરાંત વિપક્ષી નગરસેવક રચનાબેન નંદાણીયા, નુરમામદ પલેજા, રાહુલ બોરીચા, કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતભાઇ વાળા, હરેશભાઈ પરમાર, રાહુલ દુધરેજીયા સહિતના અગ્રણી કાર્યકરો જોડાયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(2:23 pm IST)