Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બીજાના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડનાર રાજકોટની મહિલા કચ્છના અંજારની બેંકની સતર્કતાથી ઝડપાઈ: પરિવારની સામેલગીરી

પોલીસે ઉષાની કરડાકીથી પૂછતાછ કરતાં તેણે કબૂલી લીધું કે પોતે ઋક્ષમણિબેન નથી , વિવિધ બેન્કોની પાસબૂક અને ચેકબૂક તેને રાજકોટ રહેતી ભાભી પૂનમબેને આપી હોવાનું તેમજ ભાઈ જયેશ તેને ટૂકડે ટૂકડે નાણાં ઉપાડવા માટે અંજાર મોકલતો હોવાનું કબૂલ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯  ઓનલાઈન ફ્રોડના યુગમાં રાજકોટનો એક પરિવાર ઓફલાઈન ચીટીંગ કરતો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ચીટર પરિવારની એક મહિલાને અંજારના બેન્ક મેનેજરે રંગેહાથ પોલીસના હાથે પકડાવી દીધી છે.

અંજારના ચિત્રકૂટ- ૨માં રહેતાં ક્ષમણિબેન મંગળદાસ વિભાણ સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયામાં ખાતું ધરાવે છે. તેમના બેન્ક ખાતામાંથી તેમની જાણ બહાર દર મહિને એકવાર મોટી રકમ ઉપડી જતી હતી. ૨૧ ફેબ્રુઆરીએ તેમના ખાતામાંથી ૩૫ હજાર, ૧૫ માર્ચે ૪૫ હજાર, ૨૬ એપ્રિલે ૫૦ હજાર અને ૧૬ મેના ૨૨ હજા૨ મળી ૧.૫૨ લાખ રૂપિયા બારોબાર ઉપડી ગયાં હતા. જેથી તેમણે બેન્કમાં અરજી આપી હતી. બેન્કે તપાસ કરતાં એક અજ્ઞાત મહિલા તેમના ખાતામાંથી નાણાં ઉપાડવા આવતી હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી બેન્ક કર્મચારીઓએ વૉચ રાખવાનું શરૂ કર્યું હતું.

ગઈકાલે સવારે ૧૧ વાગ્યે આ અજાણી મહિલા ઋક્ષમણિબેનના ખાતામાંથી નાણાં ઉપાડવા આવી હતી. તેણે રસીદ ભરીને કેશિયરને આપી હતી. સતર્ક બેન્ક સ્ટાફે સીસીટીવી ચેક કરતાં આ મહિલા તે જ હોવાનું સ્પષ્ટ થયું હતું. મહિલા બેન્ક મેનેજરે તુરંત અંજાર પોલીસને જાણ કરી દીધી હતી.

પોલીસની હાજરીમાં આ મહિલાને પૂછતાં તેણે પોતે ઋક્ષમણિબેન જ હોવાનો દાવો કરી પૂરાવામાં ઋક્ષમણિબેનના ખાતાની પાસબૂક રજૂ કરી હતી. જો કે, ઓળખના અન્ય કોઈ આધાર-પૂરાવા રજૂ કરી શકી નહોતી.

મહિલા પાસે રહેલાં થેલાંની પોલીસે તલાશી લેતાં તેમાંથી સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયાની ૫ ચેકબૂક, બેન્ક ઑફ બરોડા ૬ પાસબૂક અને

આધાર કાર્ડ મળી આવ્યાં હતા. આધાર કાર્ડમાં આ મહિલાનો જ ફોટો લગાડેલો હતો. જેમાં તેનું નામ ઉષાબેન હર્ષદભાઈ ભટ્ટ, ઊંમર ૫૧ વર્ષ અને સરનામું મનાલી બંગ્લૉ, સ્ટેશન પ્લોટ, ગોંડલ લખેલું હતું.

પોલીસે ઉષાની કરડાકીથી પૂછતાછ કરતાં તેણે કબૂલી લીધું હતું કે પોતે ઋક્ષમણિબેન નથી. વિવિધ બેન્કોની પાસબૂક અને ચેકબૂક તેને રાજકોટ રહેતી ભાભી પૂનમબેને આપી હોવાનું તેમજ ભાઈ જયેશ તેને ટૂકડે ટૂકડે નાણાં ઉપાડવા માટે અંજાર મોકલતો હોવાનું કબૂલ્યું હતું. આ રીતે જે નાણાં મળે તે બે ભાઈ જયેશ અને કમલેશ, ભાભી પૂનમ અને બહેન ઈલા એમ પાંચેય જણ સરખે ભાગે વહેંચી લેતાં હતા.

ઉષા અને તેના ભાઈ-ભાભી ક્યાંથી અને કેવી રીતે વિવિધ અજાણ્યા બેન્ક ખાતાધારકોની પાસબૂક, ચેકબૂક મેળવીને આ ફ્રોડ કરે છે તે હજુ અન્ય આરોપીઓ ઝડપાય પછી સ્પષ્ટ થશે. અંજાર પોલીસે પાંચેય ભાઈ-ભાભી અને બહેનો વિરુધ્ધ IPC ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૩૪ હેઠળ ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)