Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જૂનાગઢના તોરણીયામાં ઘર કંકાસમાં પત્‍નીની હત્‍યા કરી લાશને કુંડીમાં નાખી પતિ ફરાર

હત્‍યા કર્યા બાદ પતિ ઘરે તાળુ લગાવી કપડા બદલાવીને નાસી ગયો : હત્‍યા કરનાર પતિને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૯: જૂનાગઢના તોરણીયા ગામે રાત્રે પતિ ઘર કંકાસને લઈને પત્‍નીની હત્‍યા કરીને ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે.

જૂનાગઢ તાલુકાના તોરણીયા ગામે વાડી વિસ્‍તારમાં રહેતા ૪૨ વર્ષીય લીલીબેન અને તેના પતિ રામદે ઢોલાને રાત્રે ૧૦ કલાકે ઘર કંકાસ થયો હતો.

આ પછી બંન્ને વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં પતિ રામદે ઢોલાએ ઉશ્‍કેરાઈ જઈને પત્‍નિ લીલી બેનને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્‍યા કરી નાખી હતી.

હત્‍યા બાદ આરોપી પતીએ પત્‍નિની લાશને પાણીની કુંડીમાં નાખી દઈ અને હત્‍યા કર્યા બાદ પોતાના કપડા બદલાવી ઘરને તાળુ મારીને નાસી ગયો હતો.

મરનાર મહિલાનો લગ્ન ગાળો ૧ર વર્ષનો હતો અને તેને સંતાનમાં બે જોડીયા બાળકો હોવાનું જાણવા મળ્‍યુ છે. હત્‍યા વખતે આ બાળકો તેમના કાકાના ઘરે રમતા હતા ત્‍યારે રામદે ઢોલાએ પત્‍નીની હત્‍યાને અંજામ આપ્‍યો હતો.

આ દરમ્‍યાન સવારે મહિલની લાશ પાણીની કુંડીમાં તરતી જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તાલુકા પીએસઆઈ ધોકડીયા સ્‍ટાફ સાથે દોડી ગયા હતા અને મહિલાના મૃતદેહને પાણીની કુંડીમાંથી બહાર કાઢીને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્‍યા બાદ નાસી છુટેલા હત્‍યા કરનાર પતિને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(4:15 pm IST)