Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોવિડ વિજય રથ દ્વારા ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયું જન જાગૃતિ અભિયાન

માસ્ક, આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૯:કોવિડ સામે લોક જાગૃતિ આણવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત સક્રિય છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ ધન્વંતરી રથના માધ્યમથી ગામડે ગામડે તંત્ર પહોંચ્યું છે. ત્યારે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય, પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવિડ વિજય રથ જનજાગૃતિ અભિયાનની થયેલી શરૂઆત અન્વયે ભુજના વિવિધ વિસ્તારમાં પ્રચાર પ્રસાર હાથ ધરાયો હતો. ભુજના કોટ અંદરના વિસ્તાર ઉપરાંત હોસ્પિટલ રોડ, પ્રમુખસ્વામીનગર, હરિપર રોડ ઉપર ભરવાડ વાસ સહિતના વિસ્તારોમાં કોવિડ વિજય રથ દ્વારા લોકસંગીતના માધ્યમથી કોરોના સામેની જાગૃતિના સંદેશ ઉપરાંત આયુર્વેદિક દવાઓ અને માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. પ્રમુખસ્વામીનગર અને હરિપરમાં ભુજ નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન અશોક પટેલ સાથે રહ્યા હતા. યુનિસેફ સાથે મળીને કેન્દ્ર અને રાજય સરકારના સંકલનથી હાથ ધરાયેલા આ અભિયાન વિશે સેનિટેશન કમિટીના ચેરમેન અશોક પટેલે જણાવ્યું હતું કે, કોવિડ સામેની લડાઈના નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં વધુ જાગૃતિ કેળવાય એવા ઈરાદાથી આ જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. કોવિડ વિજય રથના કચ્છના કોઓર્ડીનેટર ભાવિક સુતરિયાએ સ્થાનિકે સહકાર માટે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

(11:44 am IST)