Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શિક્ષણ સહાયક ભરતી માટેના ઓનલાઇન ફોર્મ ભરવા રજૂઆત

જસદણ તા.૯ : જસદણમાં રાજયની માધ્યમિક-ઉચ્ચત્ત્।ર માધ્યમિક અનુદાનિત(ગ્રાન્ટેડ) શાળામાં શિક્ષણ સહાયક ભરતીના ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ કરવા માટે જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, અનુદાનિત શાળાની શિક્ષણ સહાયક ભરતીનું મહેકમ ૨૦૧૭ માં મંજુર કરવામાં આવ્યું હતું.

ટાટની પરીક્ષા આજથી બે-ત્રણ વર્ષ પહેલા યોજાઈ ગઈ હતી. તા.૨૩/૧૦/૨૦૧૯ માં પ્રસિદ્ઘ થયેલ સમાચાર મુજબ શિક્ષણ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કરેલ જાહેર મુજબ ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ એ અનુદાનિત શાળામાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હતી. પરંતુ ૭ મહિના વિત્યા છતાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ નથી.

ગુજરાત સરકારની ભરતી મહિલા અનામત અંગેના જીએડી ૧/૮/૨૦૧૮ ના પરિપત્ર પણ હવે વડી અદાલત દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે. સરકારનો સા.વિ દ્વારા નવો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. જેથી આપને વિદિત થાય કે ઓનલાઈન ફોર્મ ભરવામાં જેટલો વિલંબ કરવામાં આવશે તેમ વિવિધ પ્રશ્નો ઉભા થશે. જેમ કે ઉમેદવારની વયમર્યાદા પૂરી થવાને આરે છે તેમજ જે ઉમેદવારનું મેરીટમાં નામ આવેલ છે તેમને પણ વિલંબથી અસર થશે. નવા ઉમેદવારો ઉમેરાઈ જશે અને વર્ષોથી રાહ જોતા ઉમેદવારોની તક છીનવાઈ જશે. જેથી અનુદાનિત(ગ્રાન્ટેડ) શિક્ષણ સહાયક ભરતીના ઝડપથી ફોર્મ ભરાવી લેવામાં આવે તેવી અંતમાં રજુઆત કરવામાં આવી હતી.

(11:47 am IST)