Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જસદણ નગરપાલિકા પ્રમુખ અને કોર્પોરેટર સહિતનાઓએ સફાઇ કામદારોની ભરતીમાં વહીવટ કર્યો હોવાનો પૂર્વ કારોબારી ચેરમેન ધોડકીયાનો ખુલ્લો આક્ષેપ જસદણ પોલીસ સ્‍ટેશનમાં બદનક્ષીની ફરિયાદ કરીએ છીએ અને કોર્ટ ખુલતા માનહાનીનો દાવો પણ દાખલ કરીશું : પાલિકા પ્રમુખ રૂપારેલીયા

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા. ૯: જસદણ નગરપાલિકાના મહિલા સફાઈ કામદારો છેલ્લા પાંચેક દિવસથી જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ અન્‍ય શહેરોના અરજદારો સાથે સાંઠગાંઠ કરી કાયમી કરવાનો હુકમ કર્યો હોવાના આક્ષેપો સાથે મહિલાઓ પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહી છે. ત્‍યારે આજે જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન કાજલબેન પ્રવિણભાઈ ઘોડકીયાએ પણ જસદણ નગરપાલિકાના કોર્પોરેટર સહિતના અધિકારીઓએ સફાઈ કામદારોને કાયમી કરવા માટે લાખો રૂપિયાનો વહીવટ કર્યો હોવાનો સોશિયલ મીડીયાના માધ્‍યમથી ખુલ્લો દાવો કરવામાં આવતા જસદણ નગરપાલિકાના રાજકારણમાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન કાજલબેન પ્રવિણભાઈ દ્યોડકીયાએ લેખિતમાં જણાવ્‍યું હતું કે, જસદણ નગરપાલિકા તરફથી સફાઈ કામદારોની ભરતીમાં લાખો રૂપિયાનો વહીવટ કરવામાં આવ્‍યો છે. વાત એમ છે કે જસદણ નગરપાલિકામાં હમણાં થોડા સમય પહેલા જ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી. તેમાં ૪૮ લોકોને સફાઈ માટે લેવામાં આવ્‍યા હતા. તેમાં જસદણ નગરપાલિકાના અમુક લેભાગુ તત્‍વ અને કોર્પોરેટર અને પાલિકા પ્રમુખે આ સફાઈ કામદારોની ભરતીમાં લાખો રૂપિયોનો વહીવટ કરીને પોતાના મળતીયાને નોકરીમાં સફાઈ કામ માટે લીધા છે. અમુક નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પણ આમાં સામેલ છે. વોર્ડ નં.૫ ના કોર્પોરેટર જીજ્ઞેશભાઈ હિરપરા દ્વારા એક સફાઈ કામદારને કહેલું કે એક લાખ રૂપિયા આપો તો તમને હું સફાઈ કામદાર તરીકે રખાવી આપું તેવું કહેવામાં આવ્‍યું હતું. જેમાં એક વચેટિયા અને એક સફાઈ કામદાર જે એક ઓડિયો કલીપમાં વાત કરે છે કે નગરપાલિકાના કોર્પોરેટર જીજ્ઞેશભાઈ હિરપરાને મારે એક લાખ રૂપિયા આપવાના છે. તો કયારે આપી જાવᅠ જીજ્ઞેશભાઈ હિરપરાએ આ સફાઈ કામદારને ઓર્ડર અપાવી દીધો છે. એટલે તેમને એક લાખ રૂપિયાᅠ આપવાના છે. જેથી જે ભરતી કરવામાં આવી છે તે ભરતી નાબૂદ કરવામાં આવે અને નવી ભરતી કરવામાં આવે. આમાં દરેક સફાઈ કામદાર પાસેથી રૂપિયા લઈને આ ભરતી કરવામાં આવી છે જેનો હું કાજલબેન પ્રવિણભાઈ દ્યોડકીયા પૂર્વ કારોબારી ચેરમેન જસદણ નગરપાલીકા વિરોધ કરું છું અને જે નગરપાલિકા જે પણ કોર્પોરેટર કે પાલિકા પ્રમુખ આમાં સંડોવાયેલ હોય તેની ઉપર કાર્યવાહી થાય તેવી મારી માંગણી છે. હું કાજલબેન પ્રવિણભાઈ દ્યોડકીયા જે ગરીબ સફાઈ કામદાર સાથે અન્‍યાય થયો છે અને ઉપવાસમાં આંદોલન કરે છે તેની સાથે છું અને હંમેશા સત્‍ય સાથે રહીશ તેવું લખાણ અને વચેટિયા સાથે થયેલી ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા નગરપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે આ સમગ્ર મામલે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવતા તેમણે કોલ રીસીવ કરવાનું પણ ટાળ્‍યું હતું.
 કાજલબેન પ્રવિણભાઈ ધોડકીયા,પૂર્વ કારોબારી ચેરમેન,જસદણ નગરપાલીકાએ  જણાવ્‍યું છે કે, જસદણ નગરપાલિકાના સફાઈ કામદારની ભરતી થયેલ તેમાં ૪૮ લોકોને લેવામાં આવ્‍યા હતા. તેમાં ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્‍યો છે. હું ખુલ્લો આક્ષેપ કરું છું કે જે ૪૮ લોકોની ભરતી કરવામાં આવી છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્‍યો છે તેના તમામ સબૂતો મારી પાસે છે અને તે બધા સબૂત દેવા માટે હું તૈયાર છું. આજે મેં ચીફ ઓફિસર પાસે તેની માહિતી માંગી તો ચીફ ઓફિસરે મને ચેમ્‍બરનું પગથીયું ન ચડવા દીધું અને મને કીધું કે તમારે તે કોઈ લપ કરવાની જરૂર નથી. તમારે જયાં પણ જવું હોય ત્‍યાં જવાની છૂટ છે તમને તેવું કહ્યું હતું.ᅠ
અનિતાબેન અલ્‍પેશભાઈ રૂપારેલીયા,પ્રમુખ,જસદણ નગરપાલિકાએ જણાવ્‍યું છે કે,  આ લોકો અમને અવારનવાર પ્રેસ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે બદનામ કરે છે. હાલ અમે આ લોકો સામે જસદણ પોલીસ સ્‍ટેશનમાં બદનક્ષીની ફરિયાદ કરીએ છીએ અને કોર્ટ ખુલતા માનહાનીનો દાવો પણ દાખલ કરીશું. અમે જો આમાં ક્‍યાંય પણ શામેલ હોય તો અમારી સામે એ લોકોએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે અમે ગાંધીનગર સુધી પણ જાણ કરી દિધી છે. તેમણે જે ઓડિયા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે તેમાં અમારો કોઈ અવાજ નથી. આમાં જે કોઈ શામેલ હશે તેની સામે કાર્યવાહી કરાશે. અમે કાજલબેન અને તેમના પતિ પ્રવિણભાઈ તેમજ અન્‍ય અજાણ્‍યા શખ્‍સો જે અમારા નામ લઈને વાત કરે છે તેની સામે આજે જ પોલીસ સ્‍ટેશનમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરીએ છીએ. અમારા પર જે કોઈ આક્ષેપો કરવામાં આવ્‍યા છે તે તદ્દન પાયાવિહોણા છે. એ લોકો દ્વારા અમને બદનામ કરવા માટેનું આ કાવતરું કરાયું છે. આ સમગ્ર બાબતે ભરતી સમિતિના અધ્‍યક્ષ જીજ્ઞેશભાઈ જીવનભાઈ હીરપરા ફરીયાદી બન્‍યા છે.

 

(11:12 am IST)