Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર પોલીસે ઝડપી લીધેલ ઘઉં અને આઈશર ગાડી સહિતનો કુલ ૬ લાખનો માલ સીઝ કરતુ પુરવઠા તંત્ર

ડીએસઓની સૂચના બાદ પુરવઠાના ચીફ સપ્‍લાય ઈન્‍સપેકટર હસમુખ પરસાણીયા તથા મામલતદારની ટીમ દ્વારા કાર્યવાહીઃ ઘઉંનો જથ્‍થો મુકત બજારનો હોવાનું ખુલ્‍યુ

રાજકોટ, તા. ૯ :. સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ રાજકોટ ગ્રામ્‍ય દ્વારા તા. ૭ના રોજ રાજકોટ-ભાવનગર હાઈવે ઉપરથી પકડાયેલ ૧૦ હજાર કિલો ઘઉંનો જથ્‍થો પકડાતા તેમણે કલેકટર તંત્રને જાણ કરતા ડીએસઓ માગુંડાની સૂચનાથી પુરવઠાના ચીફ સપ્‍લાય ઈન્‍સપેકટર હસમુખ પરસાણીયા, હેડ કલાર્ક એન.જે. ધ્રુવ અને પુરવઠા નિગમના મામલતદાર સખીયા દ્વારા તુરંત ઘટના સ્‍થળે પહોંચી ઘઉંનો જથ્‍થો તથા આઈસર વાહન સહિત કુલ ૫.૪૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. પુરવઠાની તપાસમાં ઘઉંનો જથ્‍થો મુકત બજારનો હોવાનું ખુલ્‍યુ હતું.
જિલ્લા પુરવઠા અધિકારી, રાજકોટની એક યાદી જણાવે છે કે, પોલીસ ઈન્‍સ્‍પેકટરશ્રી, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ, રાજકોટ ગ્રામ્‍ય દ્વારા તા. ૭ના રોજ રાજકોટ-ભાવનગર હાઈવે, હોટલ શિવ વિહાર પાસે ટાટા કંપનીના આઈસર વાહન નં. જીજે ૦૩ એટી ૧૭૩૩માંથી ઘઉં બાચકા ૨૦૦ નંગ ભરતી ૫૦ કિ.ગ્રા. મુજબ કુલ ૧૦,૦૦૦ કિ.ગ્રા. ઘઉંનો જથ્‍થો શંકાસ્‍પદ જણાતા કબ્‍જે કરી, વાહન તથા જથ્‍થો આટકોટ પોલીસ સ્‍ટેશનમાં રાખવામાં આવેલ. જેની વિગતવાર તપાસ કરવા મામલતદારશ્રી, જસદણ, નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ-૨, ગુજરાત રાજ્‍ય નાગરીક પુરવઠા નિગમ લી. રાજકોટ ગોડાઉન મેનેજરશ્રી ગુ.રા.ના.પુ.નિ.લી. જસદણ, પુરવઠા નિરીક્ષક ટીમ, રાજકોટ તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ, રાજકોટ ગ્રામ્‍ય દ્વારા તા. ૮ના તપાસ કરવામાં આવી હતી.
તપાસ સમયે ગોડાઉન મેનેજરશ્રી, જસદણના તા. ૮ના નિવેદનની વિગતે આ વાહનમાં મળી આવેલ ઘઉંનો જથ્‍થો જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળનો પ્રાથમિક રીતે માલૂમ પડેલ નથી કે નિગમ ખાતેથી પીળા કલરના દોરાથી સમભરતી કરેલા બારદાન પણ માલૂમ પડેલ નથી. કબ્‍જે કરેલ બાચકાઓ ફકત મોઢા બાંધેલા અને લુઝ બાચકા હોવાનું જણાયેલ.
ઉપરાંત તપાસ સમયે આઈસર વાહન નં. જીજે ૦૩ એટી ૧૭૩૩ના ડ્રાઈવર યુસુફભાઈ ટપુભાઈ મીર દ્વારા કોઈ ખરીદ-વેચાણના કોઈ આધાર-પુરાવાઓ રજુ કરવામાં આવેલ ન હોવાથી ઘઉંનો જથ્‍થો તથા વાહન સીઝર કરી, ગુ.રા.ના. પુ.નિ.લી.ના જસદણના ગોડાઉન ખાતે રાખવામાં આવેલ છે.

 

(11:21 am IST)