Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વિદાય લેતા ચોમાસાએ વિસાવદર પંથકમાં પુછડુ માર્યુ

રાજકોટ સહીત સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં વરસાદ વરસતા પાકને નુકશાન

રાજકોટ, તા., ૯: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે તેવા સમયે કાલે જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી પાણી થઇ ગયું હતું. ચોમાસાએ જતા જતા વિસાવદર પંથકમાં પુછડુ મારતા પાકને ભારે નુકશાન થયું છે.  આજે રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે.
માણાવદર
(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર પંથકમાં ગત રાત્રીના વિજળીના ભયાનક રૌદ્ર સ્‍વરૂપ અને પ્રચંડ વીજળીના લબકારા, કડાકા ભડાકા, થી સમગ્ર પંથક રીતસર ધ્રુજી ઉઠયું હતું. સાથે સાથે પવન અને વરસાદના પગલે એક અલગ જ સ્‍વરૂપ જોવા મળ્‍યું હતું ગત રાત્રીના વરસાદ પડતા ખેતીપાકને નુકસાની થશે તેવી દહેશત ખેડૂતો વ્‍યકત કરી રહ્યા છે. આજે પણ બપોરના વરસાદી ઝાપટા પડયા હતાં તો અનેક સ્‍થળે વરસાદ નહી પડયાના અહેવાલો છે.
આ રૌદ્ર સ્‍વરૂપના પગલે શહેરમાં ગલી ગરબા બંધ રાખવાની ફરજ પડી હતી સાવચેતીના પગલે આરતી કરી બંધ રાખવાની ફરજ પડી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩પ.પ મહત્તમ, ર૬.ર લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. અને લાલપુરમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : તાલુકાના ભાડજાર તથા આસપાસના ગામોમાં તથા ભાણવડ તાલુકાના ગુંદા તથા તેની આસપાસના દશેક ગામોમાં વ્‍યાપક વરસાદ પડયો હતો. જેથી પુર નીકળી ગયા હતા.
ભાણવડ તાલુકાના ચોખંડા ગામ પાસે એક નાના મંદિર પર વિજળી પડેલી પણ કોઇ નુકશાન થયું ન હતું જયારે કલ્‍યાણપુર તાલુકાના રાજપરા ગામે આહીર યુવાન અનીલ ધાનાભાઇને વિજળી નજીકથી નીકળતા તેને ખંભાળીયાની હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબીઃ મોરબીમાં ફરી વરસાદી વાતાવરણ છવાયું હતું. બપોરથી હળવા વરસાદી ઝાપટા નોંધાયા હતા. જેને કારણે રસ્‍તા ભીના થઈ ગયા હતા. બપોરથી સાંજ સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ મોરબીમાં ૧૨ મિમી, હળવદમાં ૪ મિમી અને વાંકાનેરમાં ૯ મિમી વરસાદ નોંધાયો હતો.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં નવરાત્રિના બીજા દિવસે પણ મેઘરાજાનું વિધ્‍ન ધોરાજીમાં ગઇ કાલે સાંજના સમયે ફરી વરસાદ શરૂ થયો હતો. દિવસભર ભારે ગરમી ઉકળાટ અને બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને ધીમી ધારે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્‍યારે ખેડૂતોને પાકમાં નુકશાનીની ભીતી સેવા રહી છે. નવરાત્રિના બીજા દિવસે પણ ગરબી બંધ રહી છે. ધોરાજી પંથકમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૫૦ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે.

 

(11:46 am IST)