Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબી જીલ્લાના રસ્‍તા હાકડા ભાંગે એવા : ખખડધજ માર્ગો પર વાહન ચાલકોનો ડિસ્‍કોઃ રીપેરીંગ કામો પ્રગતિમા હોવાનો તંત્રનો દાવો !

ડામર પેચ વર્ક અને પેવરીંગની કામગીરી હાથ ધરાઇ : ગેરંટી વાળા અને વગરના રોડનું કામ પણ શરૂ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૯: રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી દ્વારા તાજેતરમાં લોકોને રોડ ઉપર પડેલા ગાબડાના ફોટા વોટ્‍સએપ કરવા અનુરોધ કર્યા બાદ અસરકારક પગલાં લેવાનું શરૂ થયું હોય તેમ મોરબી જિલ્લામાં પેચ વર્ક અને રી કારપેટના કામો અભિયાનરૂપે શરૂ થયા છે.
મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના જણાવ્‍યા મુજબ જિલ્લામાં આ વિભાગ હસ્‍તકના કુલ ૪૮૪.૪૭ કિ.મી. રસ્‍તાઓ આવેલ છે. જે પૈકી ૧૪૭.૬૦ કિ.મી. રસ્‍તાઓ હાલ ગેરંટી પીરીયડમાં છે તેના પેચવર્કની કામગીરી કરવા જે તે કોન્‍ટ્રાકટરોને જણાવેલ છે તથા ૩૧૫.૩૭ કિ.મી. રસ્‍તા ગેરંટી પીરીયડ સિવાયના હાલ ખાતા હસ્‍તક છે, જે રસ્‍તાઓ પૈકી ૧૨૭.૧૫ કિ.મી. નવા રીસરફેસ કરવાના મંજૂર થયેલ છે. જે ચોમાસાની સિઝન બાદ ટૂંક સમયમાં ચાલુ થશે. તેમજ બાકીની લંબાઈ ૧૮૮.૨૨ કિ.મી. પૈકીના રસ્‍તા પર ૨૧.૫૦ કિ.મી. ખરાબ સપાટીમાંથી ૧૩.૩૫ કિ.મી. લંબાઈ પર ડામર પેચની કામગીરી થઈ ગયેલ છે તથા બાકીની લંબાઈ જેમ કે ૮.૧૫ કિ.મી. પર ડામર પેચની કામગીરી પ્રગતિમાં છે, જે એકાદ અઠવાડીયામાં પૂર્ણ થશે. પેચવર્ક પૂર્ણ થયે જે-તે રસ્‍તાની ખરાબ લંબાઈમાં પેવરપટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો દાવો કરાયો છે.
૭ વર્ષથી વધારે સમયથી ડામરકામ ન થયા હોય તેવા રસ્‍તાઓ જેવા કે (૧) મીતાણા-નેકનામ-પડધરી રોડ કિ.મી. ૬/૦ થી ૧૨/૮, (૨) શનાળા-ખાનપર રોડ કિ.મી. ૯/૦ થી ૧૮/૦, (૩) રાજકોટ- મોરબી રોડ એસ.એચ.-૨૪ (સિટી લિમિટ મોરબી શહેર) કિ.મી. ૬૦/૦૦ થી ૬૬/૬૦૦, (૪) માળિયા-પીપળીયા-હજનાળી રોડ કિ.મી. ૨૪/૦ થી ૪૫/૦, (૫) આમરણ-જીવાપર-માળેકવાડા રોડ કિ.મી. ૦/૦ થી ૯/૧, (૬) મોરબી-નાનીવાવડી-બગથળા રોડ કિ.મી. ૨/૦ થી ૨૨/૬૫૦, (૭) વાંકાનેર-અમરસર-મિતાણા રોડ કિ.મી. ૪/૦ થી ૨૫/૫, (૮) વાંકાનેર-કુવાડવાᅠ રોડ કિ.મી. ૧૪/૦ થી ૨૨/૦૦, (૯) વાંકાનેર-દલડી-થાન રોડ કિ.મી. ૧૫/૫ થી ૧૮/૫, (૧૦) પલાસ-લુણસર-મંડણાસર રોડ કિ.મી. ૦/૦ થી ૧૦/૦ અને (૧૧) હળવદ-મયુરનગર-રાયસંગપર-ધનાળા-સુસવાવ રોડ કિ.મી. ૦/૦ થી ૧૧/૦ અને ૧૭/૫૦૦ થી ૧૮/૦ વગેરેના રીકારપેટના કામ મંજુર થયેલ છે અને કોન્‍ટ્રાકટરોને વર્કઓર્ડર આપી દેવામાં આવેલ હોવાનો પણ દાવો કરાયો છે.

 

(12:05 pm IST)