Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક યોજી

મુંદ્રા બંદરેથી તાજેતરમાં ૨૧૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે વધારાશે દરીયાથી સુરક્ષા

નવી દિલ્હી, તા.૯: થોડા દિવસ પહેલા જ મુંદ્રા પોર્ટ પરથી ૨૧,૦૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યારબાદ હવે ગુજરાત સરકારે રાજયના દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી છે સાથે જ ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ ન આવે તે માટે પગલાં લીધા છે. ગુજરાતના ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ દરિયાકાંઠાની સુરક્ષા અંગેની ચર્ચા કરવા માટે તાજેતરમાં જ સિનિયર IPS અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે દરિયાઈ વિસ્તારોની સુરક્ષા મજબૂત કરવા માટે કેટલાક લાંબા અને ટૂંકા ગાળાના વિકલ્પો ધ્યાને લીધા છે. આ મુદ્દે વાત કરતાં હર્ષ સંદ્યવીએ કહ્યું, આપણી પોલીસ ખૂબ સતર્ક છે અને આ જ કારણે આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ જપ્ત કરી શકયા. જોકે, અમે હજી દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા વધારવા માગીએ છીએ. દરિયાકિનારા વિસ્તારોની સુરક્ષા વધારવામાં નડતી સમસ્યાઓને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીએ તાત્કાલિક આદેશ આપ્યા છે. મેનપાવર, ટ્રેનિંગ, અત્યાધુનિક સિકયુરિટી સિસ્ટમ સાથેની બોટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવાના આદેશ મુખ્યમંત્રીએ આપ્યા છે.

મહત્વનું છે કે, ભૂતકાળમાં રાજયમાં દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષાનો મુદ્દો ચિંતાનો વિષય રહ્યો છે, કારણકે મુંબઈ હુમલો થયો એ સમયે આતંકીઓએ ત્યાં પહોંચવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો.

દરિયાકાંઠાના વિસ્તારો અંગે રાજય સરકારે કેંન્દ્રને નીચે મુજબની વિનંતી કરી છે

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા જથ્થાના કાર્ગો માટે ૪૩ પોર્ટ આવેલા છે. નાના પોર્ટ અને ખાનગી ડેવલપરો પાસે હાલ કર્મચારીવર્ગની ગતિવિધિઓ પર નજર રાખવા માટે અસરકારક પદ્ઘતિ નથી. અહીંની સુરક્ષા પ્રાઈવેટ સિકયુરિટી ગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ બંદરોની સુરક્ષા માટે આધુનિક સાધનોથી સજ્જ સ્પેશિયલ ફોર્સની જરૂર છે.

ભારતમાં આવતા કે અહીંથી જતા મુસાફરોની અધિકૃત ચેકપોસ્ટ પર તપાસ થાય તે જરૂરી છે. ગુજરાત અને ભારતમાં અનેક દરિયાઈ બંદરો છે જયાં અવારનવાર વિદેશી શીપનો સામાન ઉતારવામાં આવે છે. ગુજરાતમાં ઓખા અને કંડલા બે મુખ્ય ચેકપોસ્ટ છે.

રાજય સરકારે ધ્યાન દોરતાં કહ્યું કે, ભારતીય કાંઠા પરથી વિદેશ જવા નીકળતા નાવિકો યોગ્ય ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરતાં નથી અને ઈમિગ્રેશન ઓફિસર સામે હાજર થતાં નથી. આમ કરીને તેઓ દેશનો કાયદો તોડે છે.પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી દ્યણીવાર ભારતીય માછીમારોની બોટ પર શંકા કરે છે અને તેઓ IMBL નજીક ફિશિંગ કરી રહ્યા હોય તો પકડી લે છે. કેટલાક કિસ્સામાં બિનસત્તાવાર ફાયરિંગમાં માછીમારોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને તે માટે ગુજરાત સરકાર કેંદ્ર પાસે મદદની અપેક્ષા રાખે છે.

કોસ્ટલ સિકયુરિટી સ્કીમ અંતર્ગત ભારત સરકાર નવી જેટ્ટીઓ માટે ભંડોળ પૂરું પાડી શકે છે અને આ જેટ્ટીઓનો ઉપયોગ કોસ્ટલ સિકયુરિટીને સંભાળવા માટે થશે.

(12:07 pm IST)