Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જુનાગઢમાં દિન દહાડે છરી બતાવી રૂ.પપ,૮૦૦ની લુંટ

પ્રથમ ખિસ્સામાંથી રૂ.૮૦૦ની લુંટ ચલાવી બાદમાં બે શખ્સોએ એટીએમમાંથી પૈસા કઢાવ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૯:  આઇટીઆઇ રોડ પર આવેલ મેઘાણીનગર બ્લોક નં. પમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા વિશાલભાઇ ધીરેન્દ્રભાઇ પંડયા (ઉ.વ.૩૬) નામનો યુવાન ગઇકાલે બપોરના બે વાગ્યાની આસપાસ સ્કુટર પર બેસીને પોતાનો ઘર તરફ જતો હતો.

ત્યારે વિવેકાનંદ સ્કુલ પાસે બે અજાણ્યા શખ્સોએ મોટર સાયકલ વિશાલનાં સ્કુટર આડુ નાખીને તેને રોકયો હતો.

બાદમાં આ ઇસમોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વિશાલ પંડયા પાસેથી બે મોબાઇલ ફોન, સ્કુટરની ચાવી અને રૂ. ૮૦૦ની રોકડની લુંટ ચલાવી હતી.

આ પછી બંને ઇસમોએ વધુ પૈસા આપવાનું કહી વિશાલભાઇને તેના સ્કુટર પર પાછળ બેસાડીને કાળવા ચોક નજીકના એસબીઆઇના એટીએમ પર લઇ જઇ રૂ. ૩પ હજાર કઢાવી બાદમાં ભુતનાથ ફાટક પાસેના એસબીઆઇના એટીએમમાંથી રૂ. ર૦ હજાર ઉપડાવી સ્વામી વિવેકાનંદ સ્કુલ વિશાલને ઉતારીને બંને શખ્સો નાસી ગયા હતા.

આમ વિશાલ પંડયાએ બે શખ્સો વિરૂધ્ધ કુલ રૂ. પપ,૮૦૦ ની રોકડની લુંટની ફરીયાદ કરતા એ ડીવીઝન પોલીસે સાંજે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પીએસઆઇ એ.કે.પરમારે સીસીટીવી કેમેરાના તપાસ હાથ ધરી બંને લુંટારાને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

(1:11 pm IST)