Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

માધાપર-ભુજમાં રેતીના ગેરકાયદે કારોબાર પર LCB ત્રાટકી

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માધાપર અને ભુજમાં રેતીચોરી કરીને જઈ રહેલી ત્રણ ટ્રકો ઝડપી પાડી ત્રણ અલગ અલગ ગુના દાખલ કર્યાં

ભુજ :  ખનીજ તંત્રની પરવાનગી વગર રેતીનું ખનન કરીને બાંધકામ સાઈટમાં તેનો ઉપયોગ કરવાના ગોરખધંધા પર પશ્ચિમ કચ્છ પોલીસે લાલ આંખ કરી છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માધાપર અને ભુજમાં રેતીચોરી કરીને જઈ રહેલી ત્રણ ટ્રકો ઝડપી પાડી ત્રણ અલગ અલગ ગુના દાખલ કર્યાં છે. બાતમીના આધારે આજે પરોઢે સાડા છ કલાકે માધાપર યક્ષમંદિર ચાર રસ્તા ખાતે એલસીબીની ટૂકડીએ GJ-12 BX-4505 નંબરનું ૧૯ ટન રેતી ભરેલું ડમ્પર પકડી પાડ્યું હતું. ડ્રાઈવર અનવર અબ્દુલ નોડે (રહે. કુનરીયા નાના)એ પોલીસને જણાવ્યું કે તેના શેઠ ભુરા કરમણ આહીર (રહે. કોટાય)ના કહેવાથી કુનરીયાનો રહીમ કાસમ નોડે ગઈકાલે તેને રેતી ભરેલું ડમ્પર આપી ગયો હતો.   

   આ રેતી માધાપર ખાતે ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાલી કરવાની હતી. એલસીબીએ ૪૫૬૦ રૂપિયાની રેતી, ૧૫ લાખના ડમ્પર, મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ સીઝ કરી ત્રણે આરોપી સામે માધાપર પોલીસ મથકે રેતીચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. એ જ રીતે, શહેરના આત્મારામ સર્કલ પાસેથી પણ એલસીબીએ સાત-સાત ટન રેતી ભરેલી બે ટ્રકો ઝડપી પાડી તેના ડ્રાઈવરોને દબોચી લીધાં હતા. એલસીબીએ ટ્રકના ડ્રાઈવરો મુસ્તાક અબ્દુલ મમણ (રહે. નાના વરનોરા) અને હાજર નહીં મળેલાં મુસ્તાક ઈબ્રાહિમ મમણ (રહે. ચાંદ ચોક, ભુજ) તેમજ ત્રીજી ટ્રકના ડ્રાઈવર ઈમરાન કાસમ મમણ (રહે. નાના વરનોરા) અને હાજર નહી મળેલાં શખ્સ યાકીર કાસમ મમણ (રહે. નાના વરનોરા) વિરુધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુના દાખલ કરાવ્યાં છે. ત્રણે કેસમાં કુલ ૨૧.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

 

(6:41 pm IST)