Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જસદણમાં કુંવરજીભાઇનો સાતમી વખત વિજય વાવટો

અમિતભાઇ શાહે કહ્યું હતું કે જસદણની સીટ ભાજપ - કોંગ્રેસની નહી કુંવરજીભાઇની છે તે વિરોધીઓના વિરોધ વચ્ચે સાબિત કરી દીધું

તસ્વીરમાં કુંવરજીભાઇ બાવળીયાના વિજય સરઘસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી, નરેશ ચોહલીયા - જસદણ)

 

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૯ : અનેક વિધાનસભા વિસ્તારમાં ભાજપ સામે ભાજપની જ લડાઇ હોવા છતાં રાજ્યમાં ભાજપના બુલડોઝર હેઠળ કોંગ્રેસ અને આપ કચડાઇ ગયા છે ત્યારે જસદણ બેઠકમાં પણ ભાજપના કુંવરજીભાઇ સામે ભાજપના કહેવાતા ચોક્કસ જુથના કહ્યાગરા કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો અંદરખાને કુંવરજીભાઇ સામે હોવા છતાં કુંવરજીભાઇ બાવળીયાનો ભવ્ય વિજય થતાં ભાજપના સંનિષ્ઠ કાર્યકરો અને કુંવરજીભાઇ બાવળીયાના સમર્થકોએ વિશાળ વિજય યાત્રા કાઢી ફટાકડાની આતશબાજી કરી હતી અને કુંવરજીભાઇએ સાતમી વખત વિજય વાવટો ફરકાવ્યો હતો.

ચુંટણી પહેલા અને બાદમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં જસદણ બેઠક ભર્યા નાળીયેર જેવી સ્થિતિમાં હતી. એમાંય જસદણ ભાજપના આગેવાન અને અગાઉ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા સાથે વાંકુ પડતા કોંગ્રેસના પ્રદેશ કક્ષાના હોદ્દા ઉપર સફર કરી ફરી પાછા ભાજપમાં (સ્વગૃહે) આવી ગયેલા ગજેન્દ્રભાઇ રામાણીની ઓડીયોકલીપ ખળભળાટ મચાવી રાજકીય ક્ષેત્રે ચર્ચા જગાવી હતી ત્યારે જસદણ બેઠક ભારે ચર્ચામાં આવી હતી અને કુંવરજીભાઇ બાવળીયા હારે છે તેવી સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૃ થઇ હતી. આવા બહારના અને અંદરના વિરોધ વચ્ચે પણ કુંવરજીભાઇ બાવળીયાનો વિજય થતાં વિરોધીઓ ફરી શાંત થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા ભાજપના ચાણકય કહેવાતા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઇ શાહે જસદણમાં સભા ગજવી હતી ત્યારે તેમણે કહેલું કે જસદણની સીટ ભાજપ - કોંગ્રેસની નહી પરંતુ કુંવરજીભાઇના કાર્યોની સીટ છે એ વાત સાચી પડી છે.

જસદણની સીટ ઉપર આમ તો ગુરૃ (કુંવરજીભાઇ) અને ચેલા (ભોળાભાઇ) વચ્ચે જંગ હોવાનું રાજકીય પંડીતો માનતા હતા પરંતુ ચેલા ભોળાભાઇ ગોહિલ (કોંગ્રેસ) ત્રીજા ક્રમાંકે પહોંચતા રાજકીય પંડીતો પણ વિચારતા થઇ ગયા છે. કુંવરજીભાઇ સામે ચોક્કસ સમાજના અનેક આગેવાનો જાહેરમાં અને અંદરખાને સામે હોવા છતાં વિજય મેળવતા મતદારોનો ફરી એક વખત કુંવરજીભાઇ સામે વિશ્વાસ અકબંધ રહ્યો છે.

મત ગણતરી દરમિયાન શરૃઆતથી પાતળી બહુમતીથી ધીમે ધીમે આગળ વધી છેલ્લે કુંવરજીભાઇ બાવળીયાને ૧૬૧૭૨ મતથી વિજય થયો હતો. કુંવરજીભાઇ બાવળીયાને ૬૩૮૦૮, આપના તેજસભાઇ ગાજીપરાને ૪૭૬૩૬ અને કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલને ૪૫૭૯૫ મત મળ્યા હતા.

(12:02 pm IST)