Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જૂનાગઢનાં યુવાને વટ અને વચન ખાતર કરાવ્‍યું મુંડન

વિધાનસભાની ચૂંટણી વખતે કહ્યુ હતું કે,આપને એક બેઠક મળશે તો મુંડન કરાવીશ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૯ : વિધાનસભાની ચૂંટણી રોચક રહી છે. ભાજપને ભવ્‍ય વિજય થયો છે. ત્‍યારે જૂનાગઢમાં એક રોચક ઘટના બની છે.જૂનાગઢનાં ભાજપનાં સક્રીય કાર્યકર્તાએ ચૂંટણી પહેલા સોશિયલ મિડીયા પર કહ્યુ હતુ કે, આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહી મળે અને એક બેઠક મળી તો હું મુંડન કરાવી નાખી. આજે પરિણામ આવ્‍યું તેમા આપને પાંચ બેઠક મળી છે. વટ અને વચન ખાતર યુવાને આજે મુંડન કરાવ્‍યું હતું.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્‍યો હતો. આજે વિધાનસભાની ચૂંટણીનું પરિમાણ જાહેર થયું છે.જેમા ભાજપે ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્‍યાં છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખાસ બેઠક મળી નહીં. પરંતુ ચર્ચાનાં કેન્‍દ્રમાં રહી હતી. જૂનાગઢમાં પણ આ યુવાન આજે ચર્ચાનાં કેન્‍દ્રમાં આવ્‍યો છે.જૂનાગઢ ભાજપનાં સક્રીય કાર્યકર્તા ખીમજીભાઈ રામે આજે મુંડન કરાવ્‍યું છે. મુંડન પાછળનું કારણ જાણી લોકોને નવાઇ લાગે તેવું છે. ખીમજીભાઇ રામે ચૂંટણી પહેલા સોશિયલ મિડીયામાં કહ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહી મળે અને આપને એક બેઠક મળશે,તો પોતે મુંડન કરાવી નાખશે. ત્‍યારે આજે વિધાનસભાનું ચૂંટણીનું પરિણામ આવ્‍યું.તેમા આમ આદમી પાર્ટીનો પાંચ બેઠક ઉપર વિજય થયો છે. ખીમજીભાઈ રામે સોશિયલ મિડીયા પર કહેયા મુજબ થયું નહી. અંતે પોતે વટ અને વચન માટે આજે મુંડન કરાવી નાખ્‍યું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પાંચ બેઠક આવતા મુંડન કરાવ્‍યું હતું. ખીમજીભાઇ રામે જણાવ્‍યું હતું કે, મે કહેવા પ્રમાણે કરી બતાવ્‍યું છે.આપને પાંચ બેઠક મળતા મે મુંડન કરાવ્‍યું છે. હું મારા વચન ઉપર કાયમી રહ્યો છું.

 વાણંદે મુંડનનાં રૂપિયા ન લીધા

ખીમજીભાઇનાં વચનથી જૂનાગઢનાં વિમલભાઇ પરામાર પણ ખુશ થઇ ગયા હતાં. તેમને દુકાને મુંડન કરાવવા ગયા ત્‍યારે મુંડનનું કારણ જાણી તે પણ નવાઈમાં પડી ગયા હતાં અને મુંડનનાં રૂપિયા લીધા ન હતાં.

યુવાને સર્જીકલ સ્‍ટ્રાઇક વખતે માનતા રાખી હતી.

પુલવામાની ઘટના વખતે ખીમજીભાઈ રામ ખુબ જ વ્‍યથીત થયા હતાં. ભારત આ ઘટનાનો બદલો ન લે ત્‍યાર સુધી પગમાં બૂટ કે ચપલ ન પહેરવાની માનતા રાખી હતી. ભારતે પાકિસ્‍તાન સામે બદલો ન લીધો ત્‍યા સુધી ખુલા પગે રહ્યાં હતાં.

(3:11 pm IST)