Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સોરઠમાં પાંચ બેઠક પર એક પણ ઉમેદવાર પસંદ નહિ પડતા ૮૮૧૪ મત પડયા નોટામાં

સૌથી વધુ ૨૦૦૨ નોટા મત જુનાગઢ સીટ પર નોંધાયાઃ જિલ્લામાં રિજેક્‍ટ મતની કુલ સંખ્‍યા ૧૧૯૯: સૌથી વધુ ૪૦૨૫૬ મતની લીડ જુનાગઢ બેઠકનાં ભાજપનાં સંજય કોરડીયાને અને સૌથી ઓછા ૩૪૫૪ મતની લીડ માણાવદર સીટના કોંગી ઉમેદવાર અરવિંદ લાડાણીને

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૯: જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકની ચુંટણી બાદ પરિણામ આંચકારૂપ રહ્યા છે. ગત ચુંટણીમાં કોંગ્રેસે  જીતેલ ચાર બેઠકમાંથી ૩ બેઠક ગુમાવીને એક માત્ર સીટ જાળવી રાખી છે અને તે પણ નવી બેઠક એટલે કે માણાવદરની બેઠક પર વિજય મેળવીને સૌને અંચબામાં મુકયા છે. કેમ કે આ બેઠક પરથી ભાજપનાં પૂર્વ મંત્રી જવાહર હરાવીને મેળવી છે.

જૂનાગઢ જિલ્લામાં કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જવાહર ચાવડાની પેટાચૂંટણીમાં તો જીત થઈ હતી. પરંતુ, માણાવદર બેઠક પર યોજાયેલી સામાન્‍ય ચૂંટણીમાં જવાહર ચાવડાએ હારનો સામનો કરવો પડ્‍યો છે. કૉંગ્રેસના અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્‍યા છે. જ્‍યારે વિધાનસભા ચૂંટણી પહેલા જ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા હર્ષદ રીબડિયાને હારનો સામનો કરવો પડ્‍યો છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ રીબડિયાને હાર આપી છે.

કેશોદ બેઠક પર ભાજપા દેવાભાઈ માલમની, જૂનાગઢ શહેર બેઠક પર સંજય કોરડિયાની અને માંગરોળ બેઠક પર ભાજપના ભગવાનજી કરગઠિયાની જીત થઈ છે.

આ ચુંટણીમાં જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠક પર એક પણ ઉમેદવાર પસંદ નહિ પડતા ૮૮૧૪ મતદારોએ નોટામાં મત આપ્‍યા છે.

જ્‍યારે સૌથી વધુ ૨૦૦૨ નોટા મત જુનાગઢ સીટ પર પડ્‍યા છે અને જિલ્લામાં રિજેક્‍ટ મતની કુલ સંખ્‍યા ૧૧૯૯ છે.

સૌથી વધુ ૪૦૨૫૬ મતની લીડ જુનાગઢ બેઠકનાં ભાજપનાં સંજય કોરડીયા મેળવીને ધારાસભ્‍ય થયા છે.  સૌથી ઓછા ૩૪૫૪ મતની લીડ માણાવદર સીટના કોંગી ઉમેદવાર અરવિંદ લાડાણીએ મેળવીને વિધાનસભામાં એન્‍ટ્રી કરી છે.

આમ જુનાગઢ જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકની ચુંટણી બાદ પરિણામ આંચકારૂપ રહ્યા છે.(૨૩.૧૫)

કુલ સીટ-પ, ભાજપ-૩, કોંગ્રેસ-૧, આપ-૧

બેઠક   વિજેતા ઉમેદવાર      જીતનું માર્જિન         ર૦રર  ર૦૧૭

માણાવદર      અરવિંદ લાડાણી    ૩,૪પ૩            કોંગ્રેસ    કોંગ્રેસ

જુનાગઢ         સંજય કોરડિયા      ૪૦,રપ૬                     ભાજપ    કોંગ્રેસ

વિસાવદર       ભૂપત ભાયાણી      ૭,૦૬૩            આપ      કોંગ્રેસ

કેશોદ            દેવાભાઇ માલમ    ૪,ર૦૮            ભાજપ    ભાજપ

માંગરોળ       ભગવાનજી કરગઠિયા રર,પ૦૧               ભાજપ કોંગ્રેસ

જીત બાદ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાનાં પ્રજા કાજે ધારાસભ્‍ય કાર્યાલયનો આજથી પ્રારંભ

જુનાગઢ, તા.૯: વિધાન સભા જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર સંજય કોરડિયાનો વિજય થયો છે. જૂનાગઢમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના ઉમેદવારની જીત થતા જ આજથી કાર્યાલય ખોલવાની જાહેરાત કરી દીધી હતી.

જૂનાગઢ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર સંજયભાઈ કોરડીયાની જીતની ખુશીમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જુનાગઢ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં પેંડા વહેંચી એક બીજાના મો મીઠા કરાવવામાં આવ્‍યા હતા અને ઢોલ નગારાના સુરે અને અબીલ ગુલાલની છોડો સાથે બહેનોએ ગરબે રમી જીતનો જબરદસ્‍ત જશ્‍ન મનાવ્‍યો હતો.

જૂનાગઢ વિધાનસભાના ઉમેદવાર સંજયભાઈ કોરડિયાને ૨૦ રાઉન્‍ડ મત ગણતરીના અંતે કુલ ૮૨૭૩૭ મત મેળવ્‍યા હતા. કોંગ્રેસના ભીખાભાઈ જોશીને ૪૨૫૫૦ મત મેળવ્‍યા હતા અને આમ આદમી પાર્ટીના ચેતનભાઈ ગજેરાને ૨૭૦૦૫ મત મેળવ્‍યા હતા. ત્‍યારે આટલી જંગી લીડથી જીત થતાં સંજયભાઈના સમર્થકોએ ખુશીની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

ચૂંટણી જાહેર થઇ ત્‍યારે જૂનાગઢમાં પ્રજાનો મૂડ કઈ તરફ છે તે સરળતાથી નક્કી ન હોતું થતું. ત્‍યારે જૂનાગઢમાં ભારે રસાકસીનો માહોલ જામ્‍યો હતો. જેથી ભાજપ, કોંગ્રેસ તથા આપ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ જામ્‍યો હતો. જ્‍યારે આ માહોલ વચ્‍ચે સંજય કોરડિયાએ બહુમતથી જીત પ્રાપ્ત કરી હતી.

જૂનાગઢમાં ધારાસભ્‍ય તરીકે જંગી બહુમત પ્રાપ્ત કરતા સંજય કોરડીયાએ આજ્‍થી  જ પ્રજા કાજે ધારાસભ્‍ય કાર્યાલય ખુલ્લું મૂકી દેવાની જાહેરાત કરી  છે.

(1:41 pm IST)