Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

કુતિયાણા પંથકમાં લોકોના દિલમાં રાજ કરતા કાંધલ જાડેજા લોકોના કામો માત્ર એક ફોન ઉચ્‍ચકક્ષાએ જોડીને કરી આપે છે

અમીપુર ડેમમાંથી ખેડૂતો માટે છોડવામાં આવતા પાણીનો ૮ લાખનો ખર્ચ આજીવન પોતે ભોગવશે તેવુ કાંધલ જાડેજા અગાઉ વચન આપી ચૂકયા છે

કુતિયાણા-રાણાવાવ બેઠક ઉપર સમાજવાદી પક્ષના ઉમેદવાર કાંધલ જાડેજાએ વિજય હેટ્રીક  કર્યા બાદ તેમના ભવ્‍ય વિજય સરઘસમાં કાંધલ જાડેજાએ લોકોનો હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર માન્‍યો હતો તે પ્રથમ તસ્‍વીર. બીજી તસ્‍વીરમાં લોકોનું અભિવાદન ઝીલતા કાંધલ જાડેજા નજરે પડે છે.  (તસ્‍વીર : પ્રકાશ પંડિત આદિત્‍યાણા)

(પ્રકાશ પંડિત દ્વારા) આદિત્‍યાણા તા. ૯ :.. કુતિયાણા-રાણાવાવ બેઠક ઉપર સમાજવાદી પક્ષના સાયકલના નિશાન ઉપર વિધાનસભાની ચૂંટણી લડીને વિજય હેટ્રીક નોંધાવનાર કાંધલ જાડેજા કુતિયાણા-રાણાવાવ પંથકમાં લોકોમાં વર્ષોથી દિલમાં રાજ કરી રહ્યા છે. તેઓ ગત ર૦૧ર અને ર૦૧૭ ની ચૂંટણીઓ જીતી ગયા બાદ આ વખતે વિધાનસભાની  ચૂંટણીમાં  ત્રીજીવાર વિજયી થયેલ છે. ગત વખતે તેઓ એનસીપીની ટીકીટ ઉપર ચૂંટણી લડયા હતાં. કાંધલ જાડેજાના ગઇકાલે ભવ્‍ય વિજય સરઘસમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતાં.

વર્ષ ર૦૧ર માં અને ર૦૧૭ કાંધલ જાડેજા એન. સી. પી.ના નેજા હેઠળ કુતિયાણા- સીટ ઉપરથી ચૂંટણી લડેલ પણ રાજયસભાની ચૂંટણી વખતે તેણે ભાજપને મત આપતા આ વખતે એન.સી.પી. એ ટીકીટ ન આપતા તેઓ  સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી જીતીને વિજય હેટ્રીક કરેલ છે.

મત ગણતરી વખતે પહેલા રાઉન્‍ડ થી જ કાંધલ જાડેજાએ લીડ જાળવી રાખેલ હતી માત્ર ૪ થા અને પ માં રાઉન્‍ડમાં ભાજપના ઢેલીબેનને લીડ મળી હતી. બાકીના અન્‍ય તમામ ૧પ રાઉન્‍ડમાં કાંધલ જાડેજાને જ લીડ મળેલ. એણે ઠીક જયાં ઢેલીબેન કુતીયાણા નગરપાલિકામાં પ્રમુખ છે તે કુતીયાણા શહેરમાં પણ કાંધલ જાડેજાને ૬૦૪ મતની લીડ મળેલ છે. ઉપરાંત ઢેલીબેન અને કાંધલ જાડેજા કે જયા બંનેના મકાનો આવેલા છે એવા કોટડા ગામે પણ કાંધલ જાડેજાને ૪૦૦મી ઉપર મતની લીડ મળેલ છે. સાથોસાથ ૧૯૯૮થી જે ભાજપનો ગઢ ગણાય છે. અને દર વખતે ભાજપની લીડ આદિત્‍યાણામાં  ૩૦૦૦ આસપાસ હોય છે. તેવા આદિત્‍યાણા ગામમાં પણ ઢેલીબેનને માત્ર ૨૮૧ મતની લીડ મળેલ છે. ઢેલીબેનને માધવપુર ગામે ૧૬૦૮ મતની લીડ અને અમુક ગામને બાદ કરતા મોટાભાગના બુથમાં કાંધલ જાડેજાની લીડ નીકળેલ છે.

આ હાઇપ્રોફાઇલ અને અતિ સંવેદનશીલ ગણાતી આ બેઠક ઉપર આખા દેશમાંથી ઉમટી પડેલ પ્રીન્‍ટ મીડિયા અને સમાચારના ઇલેકટ્રોનીક મીડીયાના પત્રકારોએ તો ત્‍યાં સુધી કહેલ કે ભાજપને ૧૮૨માંથી ૧૮૨ સીટ મેળવવી હોય તો આ એક સીટ કુતિયાણાના કાંધલ જાડેજાને ભાજપમાં સામેલ કરવા પડે તો જે  તે શક્‍ય બને. પત્રકારોઓએ પણ જણાવેલ કે ઘેડ વિસ્‍તારનો કાંધલ જાડેજાનો છે.

કાંધલ જાડેજાએ આ જીત વિષે જણાવેલ કે આ જીત હું મારા વિસ્‍તારના લોકોને અર્પણ કરૂં છું. અને મારો એક જ મંત્ર છે કે ‘વિસ્‍તારનો વિકાસ' હું ભાજપમાં હોવા છતાં લોકોના વિકાસના કામો કરીને જ જંપુ છું લોકોના સુખ-દુઃખનો હું સહભાગી બનું છું .રસ્‍તા-વિજળી-પાણીની સુવિધા લોકોને મળે તેના માટે હું હમેંશા પ્રયત્‍નશીલ રહું છું  અને ખાસ તો ઘેડ વિસ્‍તારના ખેડૂતો માટે અમીપુર ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે.   તે પાણીના રૂા.૮,૦૦,૦૦૦ પોતે  ધારાસભ્‍ય રહે કે નહીં આજીવન ભરવા માટે ખેડૂતોને વચન આપેલ છે. તેઓ ઉચ્‍ચ કક્ષાએ અધિકારીઓને ફોન કરી લોકોના કામ તુરંતમાં  કરી આપવાનું  પણ જાણે છે.

(1:53 pm IST)