Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વધતા કેસો વચ્ચે કચ્છ ત્રીજી લહેર માટે સજ્જ : ૩૯૮૪ બેડ તૈયાર : પ્રભારી સચિવ હર્ષદ પટેલની રિવ્યૂ બેઠક

ઓકસીજન અને આઇસીયુ થઇ ૧૮૦ બેડ, ૭૦ મે.ટન ઓકસીજન ઉપરાંત જરૂર પડયે વધુ ૨૦૬૬ બેડની વ્યવસ્થા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના વધતા કેસોના પગલે સાવચેતી અને પૂર્વ તૈયારીના ભાગરૂપે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક આજરોજ કોવીડ-૧૯ કચ્છ જિલ્લા પ્રભારી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

કોવીડની સંભવિત ત્રીજી લહેરમાં કચ્છ જિલ્લાની પૂર્વ તૈયારી અને સમીક્ષા સંદર્ભે પ્રભારી સચિવશ્રી હર્ષદકુમારે કોન્ટેક ટ્રેસીંગ અને ટેસ્ટીંગ વધારા પર ફોકસ કરવા જણાવ્યું હતું. ગ્રાઉન્ડ લેવલની કામગીરીનું સતત જાત નિરીક્ષણ કરવા સબંધિત સર્વેને પ્રભારી સચિવએ સૂચના આપી હતી.

આ બેઠકમાં કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક અને જિલ્લા તબીબી અધિકારી ડો.કશ્યપ બુચે જિલ્લાની કોવીડ-૧૯ ની પ્રવર્તમાન સ્થિતિ, વ્યવસ્થા અને આયોજન બાબતે સચિવને માહિતગાર કર્યા હતા.

જે પૈકી કોવીડના તા.૭મી સુધી સક્રિય ૨૪૮ કેસ, હોમ આઈસોલેશન, સર્વેલન્સ માહિતીમાં ૩૬ ધનવંતરી રથોની કામગીરી તેમજ આવતા સપ્તાહે ૩૮ થઇ કુલ ૭૪ ધનવંતરી રથ કાર્યરત કરાશે. જિલ્લાના કુલ ૭૬ કન્ટેન્મેન્ટ ઝોનમાં તેમજ અન્યત્ર કોન્ટેક ટ્રેસીંગ વધારવા તેમજ ટેસ્ટીંગ પણ તેમાં આવરી લઇ તેના પર ફોકસ કરવા જણાવ્યું હતું તેમજ જિલ્લામાં થઇ રહેલા ૧૦૦ ટકા RTPCR ટેસ્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં થયેલ ૮૮ ટકા વેકસીનેશન બાબતે તેમજ રાપર અને બન્ની વિસ્તારમાં રસીકરણ બાબતે ચર્ચા કરાઇ હતી.

કોરોનાના કેસ વધી રહયા છે પરંતુ જેમણે રસીના બે ડોઝ લીધા છે તેમને સંક્રમણની શકયતા નહીંવત છે. રસીકરણના પગલે કોરોનાથી મૃત્યુ અને દવાખાને દાખલ થવાની સંભાવના ઘટી જાય છે તેમજ પણ વિગતે માહિતી પુરી પાડતાં ડો.માઢકે અને ડો.બુચે જણાવ્યું હતું.

નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ સંભવિત ત્રીજી લહેરના પગલે જિલ્લાની હોસ્પિટલોમાં શું વ્યવસ્થા છે તે અંગે માહિતી પુરી પાડતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યારે આઈ.સી.યુ./O2 તેમજ રૂમ એર બેડ સહિત કુલ ૩૯૮૪ બેડસ ઉપલબ્ધ છે. જરૂર પડે તો વધારાના ૧૭૯ ICU વેન્ટીલેટર બેડ, ૭૯૬ બેડસ, ૧૦૬૮ રૂમ એર બેડસ થઇ કુલે ૨૦૬૬ પથારીની વ્યવસ્થા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કરી શકાશે. બાળકો માટે જિલ્લામાં ઓકિસજન અને આઈ.સી.યુ. થઇ કુલ ૧૮૦ બેડ તેમજ ૭૦.૨૭ મેટ્રીક ટન ઓકસિજન જિલ્લા પાસે છે તેમજ PSA પ્લાન્ટની ક્ષમતા અને સ્થિતિ અંગે પણ ચર્ચા કરાઈ હતી.

પ્રભારી સચિવે ઓકિસજનની માંગ અને પુરવઠાની વ્યવસ્થા જળવાય તે માટે રીવ્યુ કરવા પર ભાર મૂકયો હતો. આ તકે ઉપલબ્ધ મેડિસીન સંશાધનોની ચર્ચા પૈકી રેમડેસીવીરના પુરતા જથ્થા અંગે માહિતગાર થતાં સચિવે માંગ અને પુરવઠાની સ્થિતિ પૈકી જરૂર પડે અગાઉથી વ્યવસ્થા કરવાની તૈયારી માટે સૂચન કર્યુ હતું.

જિલ્લાના સામુહિક, પ્રાથમિક, સબસેન્ટર અને અર્બન આરોગ્ય કેન્દ્રોમાં તેમજ વિવિધ કોવીડ કેર સેન્ટર અને સમરસ હોસ્ટેલની સુવિધા, ખાનગી સંસ્થા અને કંપનીના સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લા પ્રભારી સચિવ હર્ષદ પટેલ આ તકે સબંધિત સર્વેને કોવીડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિમાં ગ્રાઉન્ડ લેવલે સુપરવિઝન કરવા પર ભાર મૂકયો હતો.

આ તકે પ્રાંત અધિકારી સર્વશ્રી પી.એ.જાડેજા, જય રાવલ, જિલ્લા પુરવઠા અધિકારી રીના ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિ, ડિઝાસ્ટર મામલતદાર નિરવ બ્રહમભટૃ, નાયબ મામલતદાર રમેશભાઇ ઠકકર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(10:31 am IST)