Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સૂર્યોપાસના : વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સૂર્ય - સાધના ફળદાયી

ઉત્તરાયણ નિમિત્તે વિશેષ : સાક્ષાત દર્શન આપતા સૂર્યનારાયણ અંગે રોમાંચક જાણકારી : સૌરઊર્જામાં કયારેય પાવર કટ હોતો નથી : સૂર્ય પ્રકાશના પ્રયોગો માટે ભારત ભૂમિ વિશ્વમાં આદર્શ : સૌરઊર્જાનો અંશ પ્રાપ્ત કરી શકીએ તો પણ માહોલ ઊર્જામય બની જશે

।। ઁ ભર્ગાય નમઃ

હ્રીં સૂર્યાય નમઃ ।।

. ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે. સૂર્યનારાયણની ઊર્જા પ્રત્યક્ષરૂપે પ્રાપ્ત કરવા માટેની આ ઉત્સવ પરંપરા છે. સૂર્ય નારાયણના આધ્યાત્મિક મહત્વ અંગે શાસ્ત્રોમાં ભરપૂર સાહિત્ય પીરસાયું છે. આધુનિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ સૂર્ય સાધના ફળદાયી છે. સૂર્યદેવને વંદના કરવાના પર્વ ઉત્તરાયણ અવસરે વિજ્ઞાન - અર્થશાસ્ત્રની દૃષ્ટિથી સૂર્ય ઊર્જાને શાબ્દિક વંદના કરીએ.

. સૂર્યના પ્રદેશની શોધમાં આર્યો ભારતમાં આવી પહોંચ્યા. અહીં એટલું બધું અન્ય મળ્યું કે તેમાં ગૂચવાઈને મુખ્ય હેતુ વિસરી ગયા. સુર્ય-ઉપાસના ભૂલાઈ ગઈ. હવે-આજથી એ આદરીએ તો કેમ ?

. ભારતમાં શકિત(ઊર્જા)ની કારમી-કાયમી અછત છે. પારાવાર હાલાકી છે. તેને કારણે બેકારી પણ છે. – અને એ ચક્રની ગતિ પણ એવી છે કે એનો કોઈ ઉકેલ દેખાતો નથી. કોઈ પણ સ્થળે – કોઈ પણ સમયે પાવર-કટ એ સામાન્ય બાબત છે. અધકચરા પ્રયત્નો દ્વારા લોકોનું જીવનધોરણ સુધારવાના અખતરા થાય છે. વર્લ્ડબેન્કોના ભવ્ય કરજો લેવાય છે-ચવાય છે. લોકો ત્યાંના ત્યાં જ છે, ને રહેશે. વીજળીની કાયમી-કારમી અછત ઝીંદાબાદ !

. પૃથ્વી પર સૌથી વધુ તડકો પામનાર દેશ ભારત છે. વર્ષના ૩૧૦.૫ દિવસ સીધા અને તીવ્ર સૂર્યપ્રકાશથી ભારતભૂમિ પવિત્ર પ્રકાશિત થાય છે.

પૃથ્વી પર કુલ સૂર્યપ્રકાશનો માત્ર બે કરોડમો ભાગ જ અવતરે છે. તેમાંથી ૭૦% ભાગ સમુદ્રો અને હિમપ્રદેશો પરાવર્તિત કરી દે છે. બાકીના ભાગમાંથી ૧.૮% ભારતના ભાગે આવે છે. બસ! ના, દર સાડા ત્રણ ચોરસ કિલોમીટર પર ૪૭ લાખ હોર્સપાવરની ઊર્જાની વર્ષા થાય છે ! દિવસના પ્રતિ સેકંડ અને આખું વર્ષ ! કિંમત ?- અમુલ્ય !

. આમાંથી ૭ કે ૧૫% સોલાર-પેનલ દ્વારા વિદ્યુત-શકિતમાં રૂપાંતરિત કરી શકાય તો – તેનો સરવાળો ભારતના અત્યાર સુધીના કુલ વિદ્યુત ઉત્પાદન કરતા વધી જાય. દરેક ઘરો-દરેક બાંધકામો સૌરપેનલથી મઢી લેવાય તો કમસેકમ વીજળીની કાયમી અછત કાયમી છતમાં ફેરવાય જાય.

. આ પ્રકાશ-સમય-વિદ્યુતના જથ્થાનું ગણિત અત્યારે ભારતના દરેક સ્રોતમાંથી ઉદ્ભવતી વિદ્યુત કરતાં અનેકગણી વધુ છે. ભારતની આવતા દાયકાઓની વધેલી જરૂરિયાતને પૂરી કરવા સક્ષમ છે. ઉપરાંત આ વિદ્યુતનું ઉત્પાદન ત્યાર પછી સ્થિર (એટલે કે ના ઘટે તેવું) અને નિરંતર (એટલે કે સાતત્યપૂર્ણ) બનશે. આમાં વિદેશનું આયાતી બળતણ વપરાતું નથી. આયાતી તડકો વપરાય છે. જે અમૂલ્ય છે અને એકધારા જથ્થામાં કાયમી મળવાની બાહેંધરીવાળો છે. તડકાનું બિલ સૂર્ય મોકલાશે નહીં.

. બળતણ કોઈ પણ રીતે જવલન થતાં પર્યાવરણને પ્રદુષિત કરશે જ. સૌર-ઊર્જા પર્યાવરણને પવિત્ર કરશે.

. એક અબજની સંખ્યા માટે માંડ-પૂરતી વિદ્યુત માટે વિદેશી આયાતી મોંઘુ ખનિજતેલ વિકાસની ગતિને અવરોધી રાખે. અને એ પણ કેટલો વખત ? ૪૦ વર્ષ. પછી શું ? કોલસા ખલાસ થશે, પછી ? સૌર વિદ્યુત. તો અત્યારથી શા માટે નહીં ! શકિતનો વપરાશ વધ્યે જાય છે, સ્રોત ઘટતા જાય છે, સરવાળે ?

. સૂર્ય-ઊર્જા અખૂટ છે, અમૂલ્ય છે. કેટલી ? દર સાડા ત્રણ ચોરસ કિલોમીટર પર ૪૭ લાખ હોર્સપાવર અને હંમેશા ૧૦ કલાક, બિલકુલ ફ્રી !! નિયમિત અને અચૂક... પૃથ્વી પર કુલ સૂર્ય-પ્રકાશનો માત્ર બે કરોડમો ભાગ જ અવતરે છે. મફત મળે છે (સદનસીબ !),-મફત વહી જાય છે (કમનસીબ !). સૌર-ઊર્જાના અંશનો પણ અંશ પામીએ તો આ૫ણી જરૂરીયાત કરતાં વધુ મળે. ખોબોએક માંગો, ધોધના ધોધ આપે (કશા બદલા વિના- કશી અપેક્ષા વિના). પૂર્ણતા પાસેથી પામવાનું ગણિત અલગ જ હોય છે.

. જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. પણ આ એડવાન્સ યુગમાં એમ ના ચાલે. આવતા ૫૦ વર્ષોમાં શું જરૂરી છે, તે આજે વિચારી શોધખોળ આદરો, નહીં તો પછાત રહેશું.

. સૌર-ઊર્જાના પ્રયોગો માટે ભારત આદર્શ (સૌથી વધુ સમય-સૌથી તીવ્ર પ્રકાશ) સ્થળ છે.

. ઉપગ્રહો, રોકેટો, મિસાઈલો, ચંદ્રયાત્રા વગેરેથી સામાન્ય ભારતીયને શો લાભ ? કરોડોની વસતીને અત્યંત લાભદાયી સૌર-વિદ્યુત સ્રોત માટે સંશોધન કેમ નહીં ?

. અબુધ વનસ્પતિ પણ સૌર પ્રકાશનો જીવનદાયી સીધો લાભ પામે છે, તો પ્રબુધ્ધ માનવ શા માટે પામી શકે નહીં ! સૂર્ય-શકિત દ્વારા હેવી વોલ્ટેજ મેળવી શકાતા નથી. એ આપણી ટેકનોલોજીની ઉણપ છે, નથી ? ભારતમાં ફેલાયેલા હજારો કિલોમીટરમાં વનસ્પતિ તેના વિવિધ પ્રકારના લાખો સૌર-એન્ટેના(પર્ણો) દ્વારા સમૃદ્ઘ સૂર્ય-શકિત પામી શકે છે, આપણને જે નડે છે, -તેને આપણી ખામી કહેવાય. વધુ સંશોધન માટે – શકયતા માટે આપણે જાગૃત થઇ મંડી પડવું જોઈએ. ભારત એ ભગીરથની ભૂમિ છે. વનસ્પતિનો જમીનમાંથી પ્રગટતો માસુમ અંકુર પણ બીજે દિવસે એન્ટેના વિકસિત કરી સૌર-ઊર્જાનું અનુપાન કરવા લાગે છે અને હજારો ગણો વિકાસ કરે છે. માનવીને હજુ નાની ટેકનોલોજીની ઉણપ નડે છે. આ૫ણને બધું વિદેશમાંથી આયાત કરવું વધુ ફાવે છે.

. સૌર-પેનલ દ્વારા ૭ કે ૮ ટકા જ વિદ્યુત મેળવી શકાય છે, - અથવા ૧૫્રુ. – સમગ્ર ભારતમાં વર્ષતા તીવ્ર અને સીધા સૂર્યપ્રકાશનો સરવાળો કરો. તેનું ગણિત કરો તો અત્યારે કુલ ઉત્પાદિત માનવસર્જિત વિદ્યુત કરતાં અનેકગણું પ્રમાણ થાય !

. હેવી પાવર નથી મળતો – લો પાવર મળે છે. ઘર વપરાશ માટે તેનો ઉપયોગ કરીએ તો હેવી વોલ્ટેજ ઉત્પન્ન કરતાં આપણા કાળખાના પરનું દબાણ ઘટે – ૫૦%થી વધુ !

. સૂર્યના તીવ્ર કિરણોને દોહવાથી શકિત પણ મળે, છાંયો પણ, અને ટે સમાજ માટે જરૂરી છે.

. સૂર્ય-ઊર્જામાં કોઈ પણ સમયે કોઈ દિવસ પાવરકટ હોતો નથી ! પાવરકટથી ટેવાયેલી પ્રજા માટે તો એ સમય પણ ઉત્સવ સમાન લાગશે.

. વિદ્યુતના ઊંચા બિલ સામે નજીવા ખર્ચે સૌર-વિદ્યુત ! કદાપિ ભાવ વધારો નહીં, પાવરકટ નહીં, કર્મચારીઓની હડતાલ નહીં, સમગ્ર ભારતમાં બધે જ સુપ્રાપ્ય. મોંઘા ભાવના ધાતુ-વાયરો-થાંભલાઓ-સબસ્ટેશનો-વિદ્યુત પરિવહન ખોટ(કુલ ઉત્પાદનના ૨૨%) રહે નહીં. સૌથી વિશેષ તો સામાન્ય ભારતીયને કરાવી પડતી વિદ્યુત ચોરી નહીં ! તમારા પર સાક્ષાત સૂર્યદેવની પૂરેપૂરી કૃપા વરસી રહી છે – હાથ લંબાવો અને પામો...

. વિદેશી ટેકનોલોજી વેંચાતી લઈએ છીએ, કાર-મોટરસાયકલો, રોકેટો, પ્લેનોની ડિઝાઈનો વેચાતી લઈએ છીએ તો સૌર-પેનલ ઉત્પન્ન કરવાની ટેકનીક લઈએ અને તેનો વિકાસ કરીએ. આ દેશની મૂળભૂત જરૂરીયાત છે. જાપાન-અમેરિકા પાસેથી ખર્ચાળ સાધન-સંશોધન મેળવવાને બદલે સૂર્ય-ઊર્જા-સંશોધન મેળવવું વધુ લાભદાયી....

. ભારતના રણપ્રદેશોનો કોઈ જ ઉપયોગ નથી. સૌર-ઊર્જા માટે યોગ્ય સ્થળ એ જ છે. પોખરણમાં અણુ ધડાકા કરી શકાય તો સૂર્ય-ઊર્જા-અવતરણના પ્રયોગો કેમ નહીં ? રણ, હિમાલયના હિમપ્રદેશો, હજારો માઈલ લાંબા રાજમાર્ગો પર સૌર-પેનલો વિદ્યુત ઉત્પાદન માટે સુયોગ્ય સ્થળ. રાત્રે જરૂરી લાઈટ અને દિવસે છાંયો. દરેક ઘર સૌર વીજળીથી પ્રકાશિત હોય તો ભારતની ઘણી ખરી વિદ્યુતતંગી બિલકુલ દૂર થઇ જાય- કાયમને માટે !

. વનસ્પતિને બળતણ તરીકે વાપરીને આપણે ૪ થી ૫્રુ શકિત મેળવતા તે યુગને પછાત ગણ્યો. અત્યારે પ્રાચીન જંગલના અવશેષરૂપ ખનીજતેલ બાળીને ૮ થી ૧૦% શકિત મેળવીએ છીએ, કાલે તે યુગ પણ પછાત ગણાશે. આગલા પછાત યુગ કરતાં પણ પછાત ! એટલા માટે કે સૂર્ય-ઊર્જા વિષે જાણ્યા પછી પણ આપણે ખનીજતેલનો ઉપયોગ કર્યે રાખ્યો ! પછાતની આવડતનું વધુ સારું ઉદાહરણ છે આપણું આજનું સૂર્ય-કૂકર. સૌર-ઊર્જાનો ૨્રુ ઉપયોગ માંડમાંડ કરે છે.

વનસ્પતિને બળતણ તરીકે બાળીએ ત્યારે તેમાં સંગ્રહિત સૂર્ય-ઊર્જા જ આપણે મેળવીએ છીએ, પણ કુલના ૪થી ૫્રુ ! અને એ પણ સાચા અર્થમાં જંગલી રીતે – વનસ્પતિને બાળીને ! –જેનો ફરીથી ઉપયોગ શકય નથી, પ્રદુષણકર્તા પણ છે. 

. વનસ્પતિના દરેક પર્ણો તેની એન્ટેના છે, જે દિવસે વધુને વધુ સૂર્ય-પ્રકાશ ગ્રહણ કરવા તત્પર હોય છે. નાના-મોટા પર્ણો, હજારો ડિઝાઇન્સ, ભરચક્ક પ્રયોગો-ભરચક્ક પ્રયત્નો, (કુદરતે ડિઝાઈન સંશોધનમાં ઘણી ક્ષમતા દાખવી છે.) લાખોની સંખ્યા (સોલાર પાવર વિરોધી ઘણા દલીલો કરે છે : બહુ નાના એન્ટેનાથી સૂર્ય-ઊર્જા બહુ થોડી મેળવી શકાય છે.-એ લોકોનું ધ્યાન નાના-નાના પર્ણોવાળી, વિષમ સંજોગોમાં ઊગતી અને ફાલતી વનસ્પતિ તરફ દોરવું જોઈએ.) વનસ્પતિને નજર સમક્ષ રાખી સૂર્ય-ઊર્જા અવતારવાના પ્રયોગો કરીએ તો !

. ભારતમાં સૂર્ય-પ્રકાશ સામે બચાવ કરવો પડે છે. –ચામડી દાઝવી, શ્યામ અને રૂક્ષ થવી, આંખોનું અંજાવું, જમીન તપવાથી પગ બળવા, તીવ્ર ગરમીથી ઘણાના મૃત્યુ થવા, આ બધું ભારતમાં સામાન્ય છે. બધી વસતીને કે વધારે વસતીને એ.સી. આપી ન શકાય. કદાચ શકય હોય તો પણ એના માટે વિદ્યુત ? – સોલારપેનલાઈઝ નાના પરપોટા-નગરો એ બંને (અને બીજી ઘણી બધી) સમ્યસાઓનો ઉકેલ છે. ભવિષ્યમાં ઓછી વસતીવાળા પ્રકાશ-હવામાન વગેરેથી સંપૂર્ણ સુરક્ષિત પરપોટા નગરો બનશે. પારદર્શક પરપોટાથી આવરાયેલું નગર ૨૫૦૦૦ની વસતીવાળું ટાઉન,- ટોટલ એ.સી., સૂર્ય-વિદ્યુત આધારિત, સંપૂર્ણ કમ્પ્યુંટરાઈઝ, હવા-પાણી-પ્રકાશનું સંચલન કમ્પ્યુંટરાઈઝ, રોગમુકત, જીવાણુંમુકત, પ્રદુષણમુકત, પ્રબુદ્ઘ માનવોની નાની વસતી ધરાવતું નગર અશકય નથી, -દૂર પણ નથી. એ.સી. હોવાથી કપડા-ફેબ્રિક-દરજી ન રહે, ઘરમાં રસોડું ન હોવાથી કૂકર-ગેસ-ભંડારરૂમ-અનાજના ગોદામ-ચારણી-સુપડાં-ઘંટીમિકસર જેવી ૫૦૦થી વધુ ચીજો ન રહે, આરોગ્ય સુરક્ષિત હોવાથી હોસ્પિટલો-દવાઓ-મેડીકલ સ્ટોરો ન રહે, પ્રાથમિક જરૂરિયાત મફત હોવાથી ગુનેગાર અને પોલીસ ન રહે, માનવમાત્રનું મૂલ્ય સરખું હોવાથી ઇતિહાસ-જાતિ-ધર્મ-ગુરૂઓં ન રહે.... માનસ પરિવર્તન કરી દેનાર પ્રબુદ્ઘ યુગ હવે આવશે. સૂર્ય-ઊર્જાનું અવતરણ એનું પ્રથમ પગથીયું છે.

. વિશ્વ-વૈજ્ઞાનિકો સૂર્ય જેવી શકિત (ન્યુકલીયર સંલયન) સર્જવા માટે અબજોના ખર્ચે પ્રયોગો કરે છે. 'જેવી' શા માટે ? એ જ કેમ નહીં ? ઓરીજીનલને પડતી મૂકી અનુવાદની પૂજા ? – દેવને બદલે દેવની પ્રતિમાની પૂજા કરવાની રીત આપણી જૂનીપુરાણી રીત છે જ.

. પૃથ્વી જેને સંપૂર્ણ આધિન છે એ સાક્ષાત દેવ સૂર્ય સદેહે –હજાર હાથે સ્નેહાળ અને ભેળસેળ વગરનું વરદાન આપી રહ્યા છે, - હવે એ પામવાની લાયકાત-ક્ષમતા આપણે કેળવવાની છે.

. આપણે નહીં તો આપણા રોબોટ સૂર્યશકિત સીધી જ વાપરી શકશે.

. સૂર્ય તડકાને પામીને માટીમાંથી ઘાસ ઊગે – ઘાસ ચરી ગાય દૂધ આપે – દૂધમાંથી માણસ ઘી બનાવે – ખાય તેનો વાંધો નહીં, ઘીનો દીવો ધરે સૂર્યભગવાનને ! ઘી એટલે સૂર્યપ્રકાશનો અર્ક, નહીં તો શું ? શિયાળાની વહેલી સવારે કરેલા લાકડા-તાપણામાંથી સંગ્રહિત તડકો જ પ્રગટે છે, એ ખબર છે ? અબુધ વનસ્પતિ સૂર્ય-ઊર્જાનો સંગ્રહ કરી શકે છે, પોતાની જાતને પ્રબુદ્ઘ કહેવડાવતો માનવ નથી કરી શકતો !

. સૌર-ઊર્જાનો અંશનો પણ અંશ પામી શકીએ તો આપણી જરૂરીયાત કરતાં વધારે મળે. ખોબોએક માંગો, ધોધના ધોધ આપે, કશા બદલ્લા વિના. – પૂર્ણતા પાસેથી પામવામાં ગણિત હોતું જ નથી.

. ચાલો, જાગ્યા ત્યારથી (સાચા અર્થમાં) સવાર !

. ચાલો, જાતને ઓળખીએ – આપણે સૂર્યના સંતાન છીએ !

. સૂર્યપૂત્રી પૃથ્વી માતાને ખોળે સાચા-સારા પ્રબુદ્ઘ માનવ બનીએ – પ્રદુષણ વિના જીવતા શીખીએ.

. સપ્તાહના સાતેય વાર રવિવાર કરીએ !

. આપણા જીવનમાં સૂર્યોદય થાઓ !

. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધિમહિ ધીયોયોનઃ પ્રચોદયાત્ !

સોલાર એનર્જી : ગુજરાતમાં અપાર સંભાવના

.   સોલાર-એનર્જી /પ્રયોગો ગુજરાતમાં શા માટે ?

.   ગુજરાતીઓ દેશમાં સૌથી વધુ વિદ્યુત ઉપભોકતા છે.

.   ઘર-વપરાશી સોલાર-સિસ્ટમની કિંમત ખર્ચી શકવા સમર્થ છે.

.   ઉપયોગીતા અને લાભની ગણતરી કરનાર –સમજનાર પ્રજા છે.

.   યોગ્ય સૂર્યપ્રકાશ સહજ ઉપલબ્ધ છે.

.   સરકાર અને તંત્ર દ્વારા પ્રયોગો અને સાધન-ઉત્પાદન સહાયક બની શકે.

.   જરૂરિયાતમંદોને સબસીડી અને લોન આપે.

.   વિદેશી ટેકનીક સહાયથી ગુજરાતમાં સસ્તી સોલાર પેનલ ઉત્પન્ન કરી જનતાને ઓછી કિંમતમાં આપી શકાય. માર્ગદર્શક માહિતી અને પ્રચાર-પ્રસાર ગોઠવી પ્રજાને આ વિષયમાં જાગૃત કરી શકાય.

.   અત્યારની જાગૃત સરકાર વિજ્ઞાનલક્ષી રચનાત્મક અભિગમ ધરાવે છે.

.   સૂર્યોપાસના નજીકના ભવિષ્ય માટે આજથી જ જરૂરી છે.

.   ઉદ્યોગનો મુખ્ય પાયો વિદ્યુત છે. જેની કાયમી-કારમી અછત ગુજરાતને હંમેશા રહી છે. તેને લીધે વિકાસ રૃંધાય છે. ગુજરાતનો એ પ્રાણપ્રશ્ન હાલ થઇ શકે.

.   ઘરે-ઘરે સોલારસિસ્ટમ કામે લાગતા વિદ્યુત ઉત્પાદન કરતાં ભારે ઉદ્યોગો પરનો ઘણો બોજ ઓછો થાય. રસ્તાઓ પર તાર અને થાંભલાઓનો ખર્ચ અને જગ્યા બચે. વિદ્યુત પરિવહન લોસ ઘટે. ઉદ્યોગોને અને કૃષિને પૂરતી વીજળી આપી શકાય.

.   પ્રજાના ઘર-વપરાશની વિદ્યુતનો પ્રશ્ન કાયમ માટે હાલ થઇ જાય. વિદ્યુત કાપ રહે નહિ – વિદ્યુત ચોરી પણ ના રહે. ઉદ્યોગોને સસ્તી વિદ્યુત મળવાથી તેનો વિકાસદર વધી જાય.

.   ઓછામાં ઓછી ત્રણ સરકારી/અર્ધસરકારી કંપનીઓ સોલાર સિસ્ટમ બનાવી વિતરણ કરે તો સ્પર્ધાને કારણે પ્રજાને યોગ્ય કિંમતમાં કવોલીટી ધરાવતી વસ્તુ મળી રહે.

.   ઘર-દુકાન-ગોડાઉન-કારખાના-રોડ-તમામ બાંધકામ-મકાનોના છાપરા-અગાશી પર ઉપયોગી બને તેવી સોલાર સિસ્ટમનો વિકાસ જરૂરી. વાવાઝોડામાં નુકસાન ના પામે તેવા ફીટીંગ સાથે જે તે સ્થળે ત્યાંના રેખાંશ પ્રમાણે કંપનીના તાલીમબદ્ઘ માણસો દ્વારા ગોઠવણી અને જરૂરી મેઈન્ટેન્સનની સહજ ઉપલબ્ધી સાથે / નુકસાનીના વીમા સાથે....

.   તાકીદની જરુરીયાત માટે બોર્ડની હંગામી લાઈન તરત મળે તેવું આયોજન (ખાસ કરીને ચોમાસામાં વાદળોથી ઘેરાયેલા દિવસોમાં જરૂરી).

.   જાહેર સ્થળો-સ્કૂલો-રમતના મેદાનો-સરકારી ઓફિસો-દવાખાના-હોસ્પિટલો-જાહેર હિતના મકાનો પર સરકાર સોલાર સિસ્ટમ ગોઠવે. ગામડે-ગામડે ગોઠવાય તો વિદ્યુત પરીવહનનો ખર્ચ બચે (જે વિદ્યુત બોર્ડનો સૌથી મોટો ખર્ચ છે). દૂરના સ્થળોએ પણ વિદ્યુત પ્રાપ્ત થાય. લો-વોલ્ટેજની સમસ્યા દૂર થાય.

.   પ્રજા આખો પ્રોજેકટ ઉપાડી લે તો અત્યારની વિદ્યુત ઉત્પાદકતા પૂરતી થઇ રહે. મોટા

.   મોંઘા ડેમ બનાવ્યા પછી નાના તળાવડા બનાવ્યા.... તેનું પરિણામ નજરે જોયું. નાના તળાવડા વધુ ઉપયોગી સાબિત થયા. સોલાર સિસ્ટમ એ નાના તળાવડા જેવી જ યોજના બનશે. –ઓછા ખર્ચે – પ્રજાના સહયોગથી – વધુ કાર્યક્ષમ અને લાંબા સમય માટે ઉપયોગી.

.   રાજમાર્ગોના સોલાર-લાઈટપોલ ખાનગી કંપનીઓની જાહેરાત અર્થે ભાડાપટ્ટે આપી શકાય. વાહનો માટે સસ્તી વીજળી ગુજરાતને નવા યુગમાં લઇ જાય. વિદેશી પેટ્રોલ અને પ્રદુષણથી બચાવ થાય, પ્રદુષણમુકત રાજય બને.

.   આવા તો ઘણા પ્રયોગો-ઉપયોગો કરી પ્રજાના સામાન્ય જીવનજરૂરી સુખાકારીમાં કાયમી ધોરણે અભિવૃદ્ઘિ કરી શકાય તેમ છે.

.   ભારતમાં વિદેશી ટેકનીકથી ઘણું ઉત્પાદન કરીએ છીએ તો સોલારપેનલ શા માટે નહિ ? ગુજરાત એની શરૂઆત કરે અને ઉત્પાદનમાં અને સફળતામાં હંમેશા આગવું રહે. આ સફળતાને દેશ આખો સ્વીકારશે, એનો યશ પણ ગુજરાતને મળશે. 

: આલેખન :

ધીરેન્દ્ર કંસારા                                          

આનંદ ભવન, આઝાદ ચોક,

જામજોધપુર

મો. ૮૭૮૦૧૨૯૬૧૧

(10:31 am IST)