Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સેલ્ફીના ચક્કરમાં સાવધાનઃ મધ્યપ્રદેશમાં ભેડાઘાટ પર સેલ્ફી લેતા ભાવિ પુત્રવધુ અને સાસુનો પગ લસતાં નદીમાં ડૂબી જતા મોત

હાલ મુંબઇ રહેતો અને મુળ કચ્છના સામખિયાળીનો સોની પરિવાર મ.પ્ર. ફરવા ગયો હતોઃ પતિ ભાવિ પત્ની અને માતા પિતા સાથે ફરવા ગયા હતા ત્યારે બની દુર્ઘટના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૦:  સેલ્ફી લેવાની લહાયમાં જીવ જોખમમાં મૂકી દેતા બનાવો વધી રહ્યા હોવા છતાંયે સેલ્ફી સમયે સાવચેતી રાખવાનું લોકો ભૂલી જાય છે. આ ભૂલનું પરિણામ જાનલેવા બની શકે છે. મૂળ કચ્છના સામખિયાળી ગામના અને હાલ મુંબઈના દ્યાટકોપર મધ્યે રહેતો સોની પરિવાર મધ્યપ્રદેશ ફરવા ગયો ત્યારે સેલ્ફી લેવાના પ્રયાસમાં બે જણાએ જીવ ગુમાવવો પડ્યો હતો.

અરવિંદ રણછોડભાઈ સોની તેમના પત્ની હંસાબેન, પુત્ર રાજ અને ભાવિ પુત્રવધૂ રિધ્ધિ સાથે મધ્યપ્રદેશના જબલપુર મધ્યે આવેલ ભેડાઘાટ ફરવા ગયા હતા. ત્યારે ગઇકાલે હંસાબેન સોની (ઉ.૫૦) અને તેમની ભાવિ પુત્રવધૂ રિધ્ધિ બન્ને ચટ્ટાન ઉપર ઊભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તે બન્નેના પગ લપસતાં પાછળ વહેતી નદીમાં પટકાતાં ડૂબવા લાગ્યા હતા. અરવિંદભાઈ અને રાજે બન્ને નજર સામે બનેલી આ ઘટનાને જોઈ બૂમાબૂમ કરી મુકતા લોકો મદદે દોડ્યા હતા. પણ, સાસુ અને ભાવિ પુત્રવધૂ બન્નેના અરેરાટીભર્યા મોત થયા હતા.

(12:03 pm IST)