Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાથે સ્વ. વજુભાઈ શાહના અનેક લાગણીસભર સંભારણાં છેઃ ૩૯મી પુણ્યતિથિ

રાજકોટઃ ગાંધી-મુલ્યો-વિચારોને વરેલાં આજીવન લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની, ખાદી-રચનાત્મક ક્ષેત્રના આગેવાન, પૂર્વ મંત્રી સ્વ. વજુભાઈ શાહની ૩૯મી પુણ્યતિથિએ સાદર શ્રધ્ધાસુમન અર્પણ. ૦૯ જાન્યુઆરી ૧૯૮૩ના રોજ અમદાવાદ ખાતે એમને અંતિમ શ્વાસ લીધાં હતાં. ૦૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના રોજ રાજકોટ જિલ્લાના વાવડી ગામે જન્મ થયો હતો. લોકસેવિકા અને પૂર્વ-સાંસદ સ્વ. જયાબેન શાહ એમનાં સહધર્મચારિણી

યુવા વયે જ આઝાદીનાં રંગે રંગાઈ ગયેલા વજુભાઈ શાહ, ૧૯૩૦-માર્ચમાં કરાચીની એન્જિીનયરીંગ કોલેજનાં અભ્યાસને અધવચ્ચે પડતો મૂકીને, ઐતિહાસિક દાંડી યાત્રામાં ભાગ લેવા અમદાવાદ પહોંચી ગયા હતા. કાકાસાહેબ કાલેલકરના સંપર્કમાં આવ્યા.

 બરવાળા મિત્રને મળવા ગયાને સમી સાંજે ઉતાવળી નદીનાં પટમાં મિત્ર મોહનભાઈ મહેતા 'સોપાન'સાથે બેઠેલા ત્યારે ઝવેરચંદ મેઘાણી સાથે પ્રથમ મુલાકાત થઈ. ઝવેરચંદ મેઘાણીએ બન્ને નવયુવાનોને રાણપુર આવવા નોતર્યા અને ધોલેરા સત્યાગ્રહમાં જોડાઈ જવાનું આહવાન આપ્યુ. ૦૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ માત્ર ૨૦ વર્ષની યુવાવયે વજુભાઈએ આઝાદીની લડત – ધોલેરા સત્યાગ્રહમાં ઝંપલાવી દીધું. આ જ દિવસે ઝવેરચંદ મેઘાણી રચિત દેશપ્રેમનાં ૧૫ ગીતોનો સંગ્રહ 'સિંધુડો' પ્રગટ થયો. બ્રિટીશ સલ્તનત સામે લડવા માટેનો જુસ્સો પ્રજામાં જાગૃત કરતી તેની જાદુઈ અસર જોઈ સરકારે ગભરાઈને તે જપ્ત કર્યો. 'સિંધુડો'ની ૧૯૩૨-કાનૂનભંગ આવૃતિ તેમજ ૧૯૮૦-સુવર્ણ જયંતી આવૃત્ત્િ।ની પ્રસ્તાવના વજુભાઈએ લખેલી. ધોલેરા સત્યાગ્રહના બીજા દિવસે અમરેલીના યુવા સત્યાગ્રહીઓની આગેવાની વજુભાઈએ લીધી. ઘર્ષણમાં પોલીસે એમને નહોર ભરાવ્યા. બળવંતભાઈ મહેતાએ વજુભાઈના જખ્મમાંથી લોહીનું તિલક રાષ્ટ્ર-ધ્વજને કરીને એમની વીરતાને ત્યારે બિરદાવી હતી.

 ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકાની ભરી અદાલતમાં મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને ઝવેરચંદ મેઘાણીએ  'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ' ('છેલ્લી પ્રાર્થના') ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ત્યાં હજારોની જનમેદની વચ્ચે ઉપસ્થિત વજુભાઈ ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડયા હતા.

આઝાદીની લડત દરમિયાન વજુભાઈને પણ સરદાર વલ્લભભાઈ પટેલ, ઝવેરચંદ મેઘાણી, રવિશંકર વ્યાસ 'મહારાજ', અબ્બાસ તૈયબજી, મણિલાલ કોઠારી, દરબાર ગોપાળદાસ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, દેવદાસ ગાંધી સાથે સાબરમતી જેલમાં રખાયા હતા.

 આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી  ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) 

(11:36 am IST)