Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

શિયાળો જામી ગયો : લોકો ઠરી ગયા : ગિરનાર ઉપર ર ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા કડકડતી ઠંડીની વધુ અસર : સર્વત્ર ટાઢોડુ છવાયુ

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર કડકડતી ઠંડીની અસરથી લોકો ઠુંઠવાઇ ગયા છે આજે જુનાગઢના ગિરનાર પર્વત ઉપર ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ટાઢોડુ છવાઇ ગયું છે.

લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ ગયા છે.

જુનાગઢ

(વિનુ જોષી) જુનાગઢ : બે ડિગ્રી હાડ થીજાવતી ઠંડીથી ગિરનાર આજે ટાઢોબોળ થઇ પર્વતીય વિસ્તારમાં બર્ફીલુ વાતાવરણ છવાય ગયુ હતું.

છેલ્લા બે દિવસથી ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૭.૦પ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે પારો વધુ નીચે ઉતરીને ૭ ડિગ્રીએ સ્થિર થતા જુનાગઢ અને સોરઠ વિસ્તારમાં માહોલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

જયારે જુનાગઢનાં ગિરનાર પર્વત ખાતે આજે બે ડિગ્રી હાડ થીજાવતી ઠંડી રહી હતી. ગિરનાર પર તાપમાન વધવાને લઇ પાણી બરફ જેવુ થઇ ગયું હતું અને ગિરનાર અંબાજી સહિત મંદિરો, ધાર્મિક જગ્યાઓના સંતો-સેવકો વગેરે ઠંડીનાં કારણે મુશ્કેલીમાં મુકાય ગયા છે.

ગિરનારની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ કાશ્મીર જેવી અનુભતી કરી હતી. આજની તીવ્ર ઠંડીની વન્ય પ્રાણીઓ સહિતના અબોલ જીવો પણ ફફડી ગયા હતા.

જુનાગઢમાં ૭ ડિગ્રી ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. સવારે પવનની પ્રતિકલાકની ઝડપ ૩.ર કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી મહતમ ર૩.પ ડિગ્રી હવામાં ભેજ ૭૦ ટકા અને પવનની ઝડપ ૩.ર કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(11:40 am IST)