Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જૂનાગઢ શહેરમાં ૧૬ અને જિલ્લામાં ૨૦ ધન્વન્તરી રથ કાર્યરત

જૂનાગઢ,તા. ૧૦: જૂનાગઢ શહેર અને જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા સજ્જ બન્યો છે. જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રી મનીષ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લાની કોરોનાની સ્થિતીના આંકલન માટે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લામાં બેડની સ્થિતી, દવાનો સ્ટોક, કોરોના ટેસ્ટીંગ, ટ્રેસીંગ તેમજ ટ્રીટમેન્ટ સહિતની વિગતોથી વાકેફ થઇ પ્રભારી સચિવશ્રીએ કહ્યું કે, કોરોના સંક્રમણ અને ઓમીક્રોન વેરીયન્ટના સંક્રમણને રોકવા માસ્કનો ફરજિયાત ઉપયોગ, સોશ્યલ ડિસ્ટન્ટ સહિતના પગલાની અસરકારક અમલવારી થવી જરૂરી છે. વેકિસનેશન થયા બાદ પણ આપણે ઢીલાશ રાખશુ તો સંક્રમણ ફેલાતુ અટકાવવું મુશ્કેલ થશે તેમણે જિલ્લાના અધિકારીઓને માસ્કનો ફરજિયાત ઉપયોગ, સોશ્યલ ડિસ્ટન્ટ સહિતની બાબતો અંગે કાળજી લેવા તાકીદ કરી હતી.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૩૬ જેટલા ધનવન્તરી રથ હાલ કાર્યરત છે. તેના અસરકારક ઉપયોગ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ પર ભાર મુકી શ્રી ભારદ્વાજે કહ્યું કે, જે વિસ્તારમાં વધુ કેસ આવે તેના પર વધુ  ફોકરસ કરવા સાથે ટેસ્ટીંગ વધારવું પડશે.

જૂનાગઢ શહેરમાં ટીંબાવાડી અને ગાંધીગ્રામ વિસ્તારમાં વધુ કેશ આવે છે, તેનો ઉલ્લેખ કરી પ્રભારી સચિવશ્રીએ આવા વિસ્તારો પ્રત્યે આરોગ્ય વિષયક વિશેષ કાળજી લેવા સુચનાઓ આપી હતી. તેમણે દવા, માસ્ક, ટેસ્ટીંગ કીટ સહિતની બાબતોએ ચર્ચા સમીક્ષા કરી તમામ બાબતોમાં સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટરશ્રી રચિત રાજે જિલ્લાની કોરોનાની સ્થિતી તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવાતા સદ્યન પગલાની વિગતો આપી હતી. મ્યુ.કમિશનર આર.એમ.તન્નાએ જૂનાગઢ શહેર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખે ગ્રામ્ય વિસ્તારની કોવિડ કામગીરીની વિગતો આપી હતી. બેઠકમાં આસીસ્ટન્ટ કલેકટરશ્રી અંકીત પન્નુ, શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પાવર પોઇન્ટ પ્રોજેન્ટેશન રજૂ કર્યું હતું.

(12:47 pm IST)