Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભાણેજ માટે ટીકીટ લેવા જતા બાઇકને છોટા હાથીએ ટકકર મારીઃ જેતપુરમાં મામાનું મોતઃ ભાણેજ સહીત બેને ઇજા

જેતપુર, તા., ૧૦: રણુજા સોસાયટી વિસ્તારમાં રહેતા જેમલભાઇ નાથાભાઇ સોલંકીને ત્યાં તેનો ભાણેજ પંકજભાઇ તુષારભાઇ પરમાર (રહે. ગાંધીધામ, કચ્છ) તેમજ તેનો કૌટુંબીકભાઇ નરેશભાઇ ભવાનભાઇ ધૈડા બન્ને ચોટીલા દર્શન કરી રોકાવા આવેલ તેઓને પરત ગાંધીધામ જવુ હોય સાંજે ૮ વાગ્યાના અરસામાં જેમલભાઇ તેનું બાઇક હોન્ડા નં. જીજે ૦૩ એલએન ૧૦૭ર વાળુ લઇ ત્રણે જણા ટીકીટ લેવા જતા હતા ત્યારે સામેથી સાડી ધોલાઇનો ઘાટ ભરીને આવતુ અશોક લેલન છોટા હાથી નં. જીવાય ૦૩ એડબલ્યુ ૮૭૪૬ વાળા ના ચાલકે સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા અથડાવતા બાઇક સવાર ત્રણેય ફંગોળાઇ નીચે રોડ પર પટકાયેલ.

જેમાં મામા જેમલભાઇ તેમજ નરેશભાઇને માથામાં ગંભીર ઇજા થયેલ હોય લોહી લુહાણ હાલતમાં લોકોને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલે પહોંચાડેલ તેમજ પંકજભાઇને પણ ઇજા થયેલ હોય સરકારી હોસ્પિટલે ત્રણેય પ્રાથમિક સારવાર આપી જુનાગઢ રીફર કરેલ જયાં જેમલભાઇ નાથાભાઇ સોલંકી (ઉ.વ.૪૦)નું સારવાર દરમ્યાન મોત નિપજેલ.

પોલીસે એક જ ભાઇની  ફરીયાદ પરથી છોટા હાથી ચાલક વિરૂધ્ધ આઇ.પી.સી. ૩૦૪ (એ) ર૭૯, ૩૩૭, ૩૩૮ એમ.વી. એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પી.એસ.આઇ. એ. એન. ગાંગણાએ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦૮ ને બે વખત ફોન કરવા છતા પણ આવી ન હોય લોકોમાં એવું ચર્ચાય રહ્યું હતું કે જો સમયસર ૧૦૮ આવી ગયેલ હોય તો જીવ બચાવી શકાયો હોત.

(3:02 pm IST)