Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

નિખિલ દોંગા સહિત ચાર આરોપીઓના વધુ ૩ દિ'ના રિમાન્ડ મંજૂર કરતી ભુજ કોર્ટ

ફરાર થવામાં મદદગારી કરનારા હોસ્પિટલના સ્ટાફ : સાગરીત અને જેલમાં બનેલ મિત્રની ભુજ પોલીસ કરશે વધુ પૂછપરછ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : ગુજસીટોકના આરોપી અને ગોંડલ પંથકના કુખ્યાત ગુનેગાર નિખિલ ઉર્ફે નિકુંજ દોંગા ફરાર કેસમાં પોલીસે વધુ ત્રણ દિ'ના રિમાન્ડ મેળવ્યા છે અને હવે તેની તેમજ અન્ય ત્રણ સહિત ચાર આરોપીઓની વધુ પૂછપરછ કરશે.

આ અંગે પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જે.એન. પંચાલે આપેલી માહિતી અનુસાર જી. કે. જનરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ હોઇ તે બાબતે રજીસ્ટર કરવામાં આવેલ ભુજ શહેર બી.ડીવી. પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-૪૬૦/૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૨૨૧, ૨૨૩, ૨૨૪, ૨૨૫, ૧૨૦(બી), ૩૨૮, ૪૬૫, ૪૬૮ તથા પ્રિઝન એકટ કલમ ૪૨, ૪૩, ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબના ગુનાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર દસ આરોપીઓ તા/૯/૪ ના કલાક ૪ વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર હતા.

તમામ દસ આરોપીઓને આજે ભુજ કોર્ટમાં રજુ કરાયા હતા. તે પૈકી ચાર આરોપીઓ (૧) નિખિલ દોંગા (૨) ભરત રામાણી (૩) આકાશ આર્ય (૪) વિજય સાંઘાણીના વધુ દિન ૭ ના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આ ચારેય આરોપીને તા/૧૨/૪ સુધીના સાંજે ૪ વાગ્યા સુધી રીમાન્ડ મંજૂર કરાયા છે તે પૈકી વિજય સાંઘાણી ભુજની સરકારી જીકે જનરલ હોસ્પિટલનો ડ્યુટી ઓફિસર છે.

જયારે ભરત રામાણી નિખિલનો સાગરીત છે અને ભુજના માધાપરનો આકાશ આર્ય અને નિખિલ જેલમાં મિત્રો બન્યા હતા.

(11:51 am IST)