Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ઉના પાસે બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં ૨ યુવાનોના મોત

ઓવરટેઇક કરવા જતા બાઇક ટ્રેકટરમાં ઘુસી ગયું : ખાપટના બંને યુવાનો સગાઇમાં જતા રસ્તામાં કાળ ભેટી ગયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૦ : ઉના પાસે ડબલસવારી બાઇકમાં જતા ૨ યુવાનોએ આગળ જતા ટ્રેકટરને ઓવરટેઇક કરવા જતા બાઇક આગળ ટ્રેકટરમાં ઘુસી જતા અકસ્માતમાં ખાપટના જીજ્ઞેશભાઇ ભાલીયા અને અર્જુનભાઇ કરશનભાઇ બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ત્રણેય યુવાનો સગાઇ પ્રસંગમાં જતા હતા. એક યુવાનને ગંભીર ઇજા થયેલ.

ઉના-ગીરગઢડા હાઇવે રોડ વાહન અકસ્માતનો ઝોન બની ગયો છે. ઉનાથી ૨ કિ.મી. દુર ગીરગઢડા તરફ જતાં રોડ ઉપર ઓવરબ્રીજની આગળ મોટરસાયકલ ઉપર ખાપટ ગામથી ઉના સગાઇના પ્રસંગમાં આવતા જીજ્ઞેશભાઇ ભાણાભાઇ ભાલીયા (ઉ.૧૮) રહે. ખાપટ તથા ભાણજીભાઇ ડાયાભાઇ (ઉ.૩૦) બે મોટર સાયકલ ઉપર આવતા હતા ત્યારે ઓવરટેક કરવા જતા ભટકાઇ જતા ગીરગઢડા રોડથી ઉના તરફ આવતું એક ટ્રેકટરમાં ઘુસી જતા ૩ને ગંભીર ઇજા પહોંચી હતી. તુરંત ઉના સરકારી દવાખાને સારવાર માટે લાવતા જીજ્ઞેશભાઇ ભાણાભાઇ અને અર્જુનભાઇ કરશનભાઇનું ગંભીર ઇજા થવાથી મોત થયાનું ડોકટરે જાહેર કરેલ હતું અને ભાણજીભાઇ ડાયાભાઇ (ઉ.૩૦)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે બહારગામ ખસેડેલ છે.

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અકસ્માતની જાણ ખાપટ પરિવારને થતા સરકારી હોસ્પિટલે તેમના પરિવારના લોકો પહોંચી ગયેલ હતા. બેના મોતથી ખાપટ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ઉના - ગીરગઢડા રોડ વાહન અકસ્માત ઝોન બની ગયો છે. છેલ્લા ૧ મહિનામાં ૩ વાહન અકસ્માતમાં ૩ના મોત થયા છે.

(11:45 am IST)