Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભવનાથ વિસ્તાર સીલ

શનિ-રવિ રજામાં ફરવા નહીં પોલીસની અપીલ

જૂનાગઢ તા. ૧૦ : ંહાલમાં કોરોના વાયરસ કોવિડ ૧૯ ના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ જૂનાગઢ કલેકટરશ્રી સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૮.૦૦ વાગ્યાથી સવારના કલાક ૬.૦૦ વાગ્યા સુધી જુનાગઢ શહેરમા રાત્રી કરફયુ રાખવામાં આવેલ હોઈ તેમજ શનિવાર રવિવાર બે દિવસ માટે ભવનાથ વિસ્તાર તથા વેલિંગટન ડેમ ઉપર જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોઈ, જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર ખાતે રાત્રી કરફયુ ના અમલ કરાવવા માટે તેમજ ભવનાથ વિસ્તાર તથા વેલિંગટન ડેમ ઉપર પ્રવેશ બંધી કરવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રાજેન્દ્ર મહેતા સહિતનો પોલીસ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રાજેન્દ્ર મહેતા તથા સ્ટાફના હે.કો. ભીમાભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, રામદેભાઈ, સહિતના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી, ભવનાથ વિસ્તારને સ્મશાન ત્રણ રસ્તા ખાતેથી સીલ કરી, લોકોને પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી, વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ભવનાથ વિસ્તારમાં પ્રવેશવા ઉપર જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોઈ, જાહેરનામા ભંગ કરતા ઈસમો ઉપર જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ વધેલ હોઈ, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાનો અમલ કરવા તથા લોકોએ બિન જરૂરી બહાર નહીં નીકળવા જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હોઈ, લોકોને શનિ રવીની રજામા ફરવા નહીં જવા, બિન જરૂરી બહાર નહીં નીકળવા અને પોત પોતાના ઘરમાં જ રહેવા પણ જુનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. જો કે જૂનાગઢ વાસીઓ દ્વારા પણ પોતાની જવાબદારી સમજી, સમજદારી કેળવી, રાત્રી કારફયુનું ચુસ્ત પાલન કરી, જાહેરનામા નું પાલન પણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવેલ છે.

(12:43 pm IST)