Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં બે દિવસમાં મોરબીના ૧૪ કોરોના દર્દીઓના મોત

મોરબીમાં કોરોનાના દર્દીઓને બેડની સુવિધા ન મળતા જામનગર જીજી કોવિડ હોસ્પિટલમાં ભારણ વધ્યુઃ તબીબો ચિંતિતઃ મૃતકોની યાદી જાહેર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૦: મોરબીમાં ભયાવહ બનેલા કોરોનાએ જામનગર જિલ્લાની હાલત ખરાબ કરી નાખી છે, મોરબીના દર્દીઓને બેડના અભાવે રાજકોટ દાખલ કરવામાં આવતા ન હોવાથી હવે મોટાભાગના ગંભીર દર્દીઓને જામનગર જીજી કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવે ત્યારે છેલ્લા બે દિવસ એટલે કે તા.૮ અને ૯ એપ્રિલ એમ બે દિવસમાં જ જીજી કોવિડ હોસ્પિટલમાં મોરબીના ૧૪ દર્દીઓએ દમ તોડી દેતા ખળભળાટ મચી ગયો છે.

મોરબીની સરકારી હોસ્પિટલમાં કોવિડ પેશન્ટ માટે સુવિધા ઉભી કરવામાં મોરબીના સાંસદ, ધારાસભ્ય વામણા સાબિત થતા લોકોને હવે ભગવાન ભરોસે રાજકોટ, જામનગર કે અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે અને અનેક કિસ્સામાં ગંભીર હાલતમાં રહેલ કોરોના પેશન્ટ સમયસર સારવારના અભાવે દમ તોડી દે છે, બીજીતરફ મોરબીની સરકારી હોસ્પીટલમાં ઓકિસજનના અભાવે લોકો તડપીને મરી રહ્યા છે પણ કોઈ મૃતકોના પરિવારજનો આ મામલે ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે તેવામાં છેલ્લા બે દિવસમાં જામનગર સારવારમાં ગયેલા ૧૪ લોકોના મૃત્યુ નિપજયાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં તા.૮ એપ્રિલ અને ૯ એપ્રિલ એમ બે દિવસમાં જ નીચે જણાવેલા કોરોના દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

(૧) મનસુખભાઈ હંસરાજભાઈ ભેલાણી (ઉ.વ.૬૩) મોરબી (૨) ભગવાનજીભાઈ પોપટભાઈ દેલવાડિયા (ઉ.વ.૮૮) મોરબી (૩) લક્ષ્મીબેન જગદીશભાઈ પરમાર (ઉ.વ.૪૦) મોરબી (૪) દિનેશચંદ્ર અમૃતલાલ વૈષ્ણવ (ઉ.વ.૬૮) મોરબી (૫) જમીલાબેન અબ્દુલભાઈ પલેજા (ઉ.વ.૬૦) મોરબી (૬) રજનીકાંતભાઈ અમૃતલાલ પાટડિયા (ઉ.વ.૫૭) મોરબી (૭) મંજુલાબેન નવદ્યણભાઈ કણઝારિયા (ઉ.વ.૬૫) મોરબી (૮) કમલેશભાઈ અમૃતલાલ ચાવડા (ઉ.વ.૩૩) મોરબી (૯) બાબુભાઇ ગંગારામભાઇ ચનીયારા (ઉ.વ. ૩૫) મોરબી (૧૦) રાધાબેન રતીલાલ ડાકા (ઉ.વ.૭૦) મોરબી (૧૧) રાજુભાઈ મલાભાઈ રાતડિયા (ઉ.વ.૪૪) મોરબી (૧૨) ગીતાબેન વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ.૭૮) મોરબી (૧૩) સંગીતાબેન ગોરધનભાઈ ભાલોડિયા (ઉ.વ.૪૨) મોરબી (૧૪) કાન્તિભાઈ પ્રેમજીભાઈ વિઠ્ઠલાપરા (ઉ.વ.૬૮ ) મોરબી

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે અને અહીં પણ મૃત્યુ દર ખુબજ ઉંચો છે જો કે રાજકોટ અને જામનગરમાં મૃત્યુ પામતા દર્દીઓનો આકડો મોરબીનો આરોગ્ય વિભાગ દર્શાવતો નથી પરંતુ હકીકતમાં મૃત્યુદર ખુબ જ ઉંચો હોવાનું અને મોરબીના દર્દીઓને કારણે જામનગરનો મૃત્યુદર ઉંચો જતા તબીબો પણ ચિંતિત બન્યા છે.

(12:57 pm IST)