Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

લોહાણા મહાપરિષદમાં મહિલા પાંખના સૌરાષ્ટ્ર ઝોન-૪ના પ્રમુખપદે જસદણના સોનલબેન વસાણી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૦ :. લોહાણા સમાજની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-૪ જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ વિસ્તાર આવે છે. તેના મહિલા પાંખના પ્રમુખ તરીકે જસદણના સોનલબેન વસાણીની નિમણૂંક મહાપરિષદ દ્વારા કરવામાં આવતા જસદણ પંથકમાં ખુશી છવાઈ ગઈ છે.

શ્રી લોહાણા મહાપરિષદ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃ સંસ્થા છે. જ્ઞાતિ-હિતની પ્રવૃતિઓ કરી માતૃ સંસ્થાના આશિર્વાદ ઘર-ઘર સુધી પહોંચે તે માટે શ્રી લોહાણા મહાપરિષદ હંમેશા કાર્યરત રહે છે. સોનલબેન વસાણી હાલ જસદણ પાલિકાના વોર્ડ નં. ૬માં ભાજપના સભ્ય છે. જસદણ લોહાણા મહાજનના ઉપપ્રમુખ છે. મહાપરિષદના પર્યાવરણ સમિતિના મહામંત્રી તરીકે પણ અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. તેમજ જુદા જુદા મંડળો અને સેવાકીય કાર્યો કરતા ટ્રસ્ટોમાં પણ તેઓ સેવાઓ બજાવી રહ્યા છે.

જસદણ વિસ્તારમાંથી મહાપરિષદમાં યોગ્ય સ્થાન મળતા જસદણ વિસ્તારમાં વસતા રઘુવંશી સમાજમાં ખુશી છવાઈ ગઈ છે. સોનલબેન વસાણીની ઝોન-૪ના મહિલા પાંખના પ્રમુખ બનવા બદલ (મો. ૯૭૩૭૯ ૩૦૭૧૭) ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(3:01 pm IST)