Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

માનવીય અભિગમ દાખવીને કોરોના મહામારીને નાથીએ: રાજયમંત્રી વાસણભાઇ આહીર

સમીક્ષા બેઠકમાં આગામી ૪૮ કલાકમાં જરૂરી રેમડેસીવીર રસીનો અને જરૂરી સગવડોનો પુરવઠો પુરો પાડવા સબંધિતોને સૂચના

ભુજ : પૂર્વ કચ્છમાં પ્રવર્તમાન કોરોના કોવીડ-૧૯ની પરિસ્થિતિને લઇને રાજયમંત્રી વાસણભાઇ આહિરે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ખાતે કોવીડ-૧૯ની સમીક્ષા બેઠક કરી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ બેઠકમાં કોવીડ સમીક્ષા કરી હતી.

અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાના વહીવટી, આરોગ્ય અને પોલીસ તંત્રના સબંધિત સંકળાયેલા અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજયમંત્રીએ પૂર્વ કચ્છની કોવીડ-૧૯ની પરિસ્થિતિ બાબતે તલસ્પર્શી છણાવટ કરી હતી.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે કોવીડ-૧૯નાં મેન પાવર વિશે વિગતે માહિતી મેળવી ઉપલબ્ધ સાધન સુવિધા બાબતે પણ તાલુકા આરોગ્ય અધિકારીઓ, તબીબો, નગરપાલિકા ચીફ ઓફિસરો, પોલીસ અને પ્રાંત અધિકારીશ્રીઓ અંજાર ડો.વી.કે.જોશી અને ભચાઉ પી.એ.જાડેજા સાથે સમીક્ષા કરી હતી.
પૂર્વ કચ્છમાં રેમડેસીવીર રસી, હોસ્પિટલ સુવિધા, આઈસીયુ, વેન્ટીલેટર, રસી, બેડ, તબીબો, સ્ટાફ, સેનેટાઈઝેશન, ધનવંતરી રથ, રેપીડટેસ્ટ, આરટીપીસીઆર, ઓકિસજન સુવિધા બાબતે વિગતે માહિતીગાર થઇ તેનો સત્વરે ઉકેલ લાવવા સબંધિતોને તત્કાળ અરસથી પુરવઠો પુરો પાડવા માટે જણાવ્યું હતું. માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન માટે પણ જાહેર જનતામાં જાગૃતિ અને ભયમુકત વાતાવરણ ઉભું કરવા મંત્રીએ જણાવ્યું હતું.

તબીબો, સબંધિત કર્મીઓની, હોસ્પિટલો, સાધન સુવિધા અને મેનપાવર બાબતે સગવડોની રજુઆત રાજયમંત્રીએ આ તકે સાંભળી સબંધિતોને આ બાબતે તત્કાળ અમલ માટે સૂચન કર્યુ હતું. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ સબંધિતો સાથે કોવીડ-૧૯ બાબતે માહિતી મેળવી રાજયમંત્રીને રજુઆત કરી હતી.
મંત્રીએ ઉપસ્થિત અંજાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.પટેલને તાકિદ કરી હતી કે કોરોના ગાઇડલાઇન ચુસ્તપણે અમલવારી કરાવી કાયદાકીય રીતે તેનું પાલન કરાવી પ્રજાની સુરક્ષા અને સલામતી વધારો. પૂર્વ કચ્છમાં આરોગ્ય અને કાયદાની સતર્કતાથી પ્રજાની સલામતી વધશે.

 આ તકે રાજયમંત્રીએ સબંધિતોને જણાવ્યું હતું કે, “માનવીય અભિગમ દાખવીને કોરોના મહામારીને નાથીએ અને પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવીએ. આગામી ૪૮ કલાકમાં જરૂરી રેમડેસીવીર રસીનો અને જરૂરી સગવડોનો પુરવઠો પુરો પાડવા સબંધિતોને સૂચિત કર્યા છે એમ પણ મંત્રીએ જણાવ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી વિમલભાઇ જોશી અને ભચાઉ પ્રાંત પી.એ.જાડેજા, તાલુકા વિકાસ અધિકારી આર.ડી.વ્યાસ અધિકારી સર્વ તાલુકા ઓફિસર ડો.રાજીવ અંજારીયા, ડો.સુતરીયા, ડો.એ.કે.સિંઘ, રામબાગ હોસ્પિટલના ડો.શ્રીવાસ્તવ, રાપર તાલુકા આરોગ્ય અધિકારી લીલાશાના ડો.ભાવિન ઠકકર, અંજાર હોસ્પિટલના ડો.તૃપ્તિબેન ધાનાણી, મામલતદાર ગાંધીધામ અને અંજાર તેમજ કોવીડ-૧૯ સાથે સંકળાયેલા તમામ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(7:49 pm IST)