Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ : જૂનાગઢ જિલ્લામાં 7620 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

અત્યાર સુધીમાં 330 જેટલા ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી

જૂનાગઢ : સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ કરાઈ છે  જૂનાગઢ જિલ્લામાં 1લી એપ્રિલથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 7,620 જેટલા ખેડૂતોએ પોતાના ઘઉં ઓનલાઈન ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં 330 જેટલા ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કુલ નવ ખરીદ કેન્દ્રો પર આ વર્ષે ઘઉંની ખરીદી થઈ રહી છે.

જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 7,620 જેટલા ખેડૂતોએ પોતાના ઘઉં સરકારને ટેકાના ભાવે વહેંચવા માટે ઓનલાઈન અરજી કરી છે, જે પૈકીના 330 જેટલા ખેડૂતો પોતાના ઘઉં સરકારને ટેકાના ભાવે વહેંચી ચૂક્યા છે.

વર્તમાન સમયમાં પ્રત્યેક દિવસે 15 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારા ધોરણ મુજબ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે જે આગામી 90 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે.

સમગ્ર ખરીદ પ્રક્રિયા લઈને આ વર્ષે પ્રથમ વખત ખેડૂત પણ સરકારની જે ખરીદ પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં પૂરો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઘઉં સહિત મગફળી અને અન્ય કૃષિ જણસીની ટેકાના ભાવે ખરીદીને લઈને મસ મોટા કૌભાંડો અને અનેક આક્ષેપો થતા આવ્યા છે. પરંતુ આ વખતની ખરીદીમાં કોઈપણ પ્રકારના આક્ષેપો થયા નથી તેવું જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ જણાવી રહ્યા છે. એટલે એક દ્રષ્ટિએ કહી શકાય કે આ વખતની સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ રહેલી ખરીદી બિલકુલ પારદર્શી રીતે થઈ રહી હોય તેવું ખેડૂત પણ જણાવી રહ્યા છે.

ખેડૂત વધુમાં જણાવી રહ્યા છે કે અહીં મજૂરોની કમી હોવાને કારણે ઓછા ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવે છે, જો મજૂરોની સંખ્યા ખરીદ સેન્ટર પર વધારવામાં આવે તો પ્રત્યેક દિવસે 25 કરતાં વધુ ખેડૂતોને સમાવી શકાય તેવી શક્યતાઓ છે. જેને કારણે ખરીદ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને ટૂંકા ગાળામાં પૂરી પણ થઈ શકે તેમ છે.

(11:31 pm IST)