Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જૂનાગઢ જિલ્લામાં ૭ દિવસમાં કોરોનાના ૨૯૨૮ કેસ - ૬૧ દર્દીએ લીધા અંતિમ શ્વાસ

એક સપ્તાહમાં જૂનાગઢમાં ૧૪૪૩ કેસની એન્ટ્રી અને ૨૭ના મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢ જિલ્લામાં ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા ૭ દિવસમાં જિલ્લામાં કોરોનાના ૨૯૨૮ કેસ નોંધાવાની સાથે ૬૧ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં શનિવારે ૫૦૫ કેસ નોંધાયા બાદ ગઇકાલે આંશિક ઘટાડા સાથે ૪૮૨ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા.

રવિવારે અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૧ કોવીડ દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં જૂનાગઢમાં પાંચ, જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, ભેંસાણ, માળીયા હાટીના, માણાવદર અને મેંદરડાના એક-એક દર્દીના મોતનો સમાવેશ થાય છે.

આ ૨૪ કલાકમાં ૧૮૦ દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ગત તા. ૩જી મેથી ગઇકાલ તા. ૯ મેના સાત દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ૨૯૨૮ કોરોનાના કેસ નોંધાયા હતા. ખાસ આ એક સપ્તાહમાં દરરોજ જિલ્લામાં સરેરાશ ૪૧૮ કેસ સામે આવ્યા હતા.

આ સાત દિવસ દરમિયાન જૂનાગઢ શહેરમાં ૧૪૪૩ કેસની એન્ટ્રી થઇ હતી. આમ સીટીમાં એક દિવસમાં સરેરાશ ૨૦૬ કેસની એન્ટ્રી થઇ હતી.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કુલ નોંધાયેલ નવા ૨૯૨૮ કેસની સામે ૧૭૦૦ દર્દીએ કોરોનાને માત આપી હતી.  ગત સાત દિવસના એક જ સપ્તાહમાં જૂનાગઢ શહેરના ૨૭ સહિત જિલ્લામાં કુલ ૬૧ મોત નોંધાયા હતા.

આ પ્રમાણે જૂનાગઢ શહેર તેમજ જિલ્લાએ કોરોનાની બીજી લહેરે આતંક મચાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હજુ કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઇ રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસનો આંક કયાં જઇ પહોંચશે તેની કલ્પના જ કરવી રહી.

(11:10 am IST)