Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ટંકારાના બંગાવડી ગામે હેમગીરીબાપુ આશ્રમના ભકતો દ્વારા ઓકિસજન પાર્ક બનાવાશે

ટંકારા તા. ૧૦ : બંગાવડીના રહીશ પ્રફુલભાઈ, વિરજીભાઇ, શીવાભાઈ, છગન ભાઈ, રણછોડભાઈ તેમજ અન્ય સેવાભાવી ભકતો અને ગામજનો દ્વારા બંગાવડીમાં અંદાજે ૨૦ વીઘામાં પૂ. હેમગીરીબાપુ ઓકિસજન પાર્ક વિકસાવવાનું નક્કી કરેલ છે.

હાલની વિષમ પરિસ્થિતિએ ઓકસીજનનું  મૂલ્ય સમજાવેલ છે. આજની પેઢી તથા આવતીકાલની પેઢીના લોકો ને ઓકસીજનની મુશ્કેલી પડે નહિ તેમજ પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો ઉછેરવા જરૂરી છે. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના આર્થિક સહયોગ દ્વારા ગામને નંદનવન બનાવવા તેમજ બાપુનું ઋણ ચૂકવવા બંગાવડીમાં ઓકસીજન પાર્ક બનાવાશે.

વૈશ્વિક મહામારી કોરોના જેવી પરિસ્થિતિમાં ઓકિસજન માટે આજે એક બાટલાની કિંમતથી આજે આપણે પરિચિત થઈ ગયા છીએ. રોજબરોજ આપણે જેટલું ઓકિસજન લઈએ છીએ તેટલા વૃક્ષ તો ચોક્કસ ઉછેરીએ તેવા દ્રઢ સંકલ્પ સાથે નમૂનારૂપ કાર્ય કરીને ગામના વ્યકિત એટલા વૃક્ષનો ઉછેર કરી અને ગામની અંદર ઓકિસજન પાર્ક બનાવવાનો સંકલ્પ કરેલ છે. ઉદ્યોગપતિની ટીમ સાથે ગ્રામજનોના પુરો સાથ સહકાર મેળવી પ્રેરણારૂપ કામગીરી થયેલ છે. બંગાવડીમા આ ભગીરથ કાર્યનો શુભારંભ થયેલ છે. દરેક ગામમાં ઓકિસજન પાર્ક તૈયાર થાય તો આવનાર દિવસ માટે ભાવી પેઢીની મોટી સેવા કરી ગણાશે.

(11:50 am IST)