Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમરેલી હોસ્પિટલે કોંગીજનોના ધરણાં

અમરેલી તા. ૧૦: હાલ કોરોના મહામારી વિકરાળ સ્વરૂપે ફેલાઇ રહી છે. સમગ્ર વિશ્વ મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે કોરોનાને નાથવા રાજય અને કેન્દ્ર સરકારના અણધડ વહીવટ અને સંકલનના અભાવના વિરોધમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી. કે. રૈયાણીના માર્ગદર્શન હેઠળ સીવીલ હોસ્પીટલ અમરેલી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

હાલ જયારે હોસ્પીટલોમાં પુરતા પ્રમાણમાં ઓકસીજનની વ્યવસ્થા નથી, પુરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા નથી, મેડીકલ અને પેરા મેડીકલનો સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ તમામ વ્યવસ્થાઓ તાત્કાલીક ધોરણે ઉપલબ્ધ કરાવવા ધરણા યોજયા હતા. ઉપરાંત RTPCR માટેની કીટ તેમજ ર૪ કલાકમાં ટેસ્ટીંગનો રીપોર્ટ આપવાની પણ માંગણી કરાઇ હતી તથા રેમડેસીવર તથા અન્ય ઇન્જેકશન અને દવાઓની વ્યવસ્થા તેમજ હોસ્પીટલોમાં પુરતા પ્રમાણમાં વેન્ટીલેટરની વ્યવસ્થા કરવા તેમજ વેકસીનેશન કાર્યક્રમ માટે પુરતા ડોઝની વ્યવસ્થા કરવા ધરણા યોજી સરકારની અણધડ વહીવટનો વિરોધ કર્યો હતો.

આ ધરણા કાર્યક્રમમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેર, લીલીયા-સાવરકુંડલાના ધારાસભ્યશ્રી પ્રતાપભાઇ દુધાત, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા, યુથ કોંગ્રેસ ગુજરાતના મહામંત્રીશ્રી સંદીપ ધાનાણી, મહિલા કોંગ્રેસના શ્રીમતી હંસાબેન જોષી, પરવેઝભાઇ ચૌહાણ, હિરેનભાઇ ટીમાણીયા, ઇકબાલભાઇ બીલખીયા, અસરફભાઇ રાઠોડ, નારણભાઇ મકવાણા વિગેરે જોડાયા હતા અને સરકારની અણધડ વહીવટ અને સંકલનનો વિરોધ કર્યો હતો.

(1:07 pm IST)