Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઉપલેટા પાલિકાના પ્રમુખ દ્વારા થયેલ કરોડોની ઉચાપત કેસમાં બે શખ્સોની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧૦ :. ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાએ પોતાની આંગડીયા પેઢીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થયેલ હોવાનું જણાવી દાખલ કરાવેલ ગુન્હાના કામે ઉચાપતના પૈસા મેળવનાર બે આરોપીઓના આગોતરા જામીન હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ઉપલેટામાં મોટાપાયે આંગડીયાનું કામકાજ કરનાર અને ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે કાર્યરત મયુર ગોવિંદભાઈ સુવાએ ઉપલેટા પો.સ્ટે.માં ફરીયાદ આપતા જણાવેલ હતું કે ફરીયાદી પોતે ઉપલેટા કટલેરી બજારમાં કે.આર. આંગડીયા, બેસ્ટ આંગડીયા, વી. આંગડીયા, વિશ્વમ આંગડીયા તથા એન.કે. આંગડીયા નામની પેઢીઓ પોતાની ઓફિસમાં ચલાવે છે અને આ આંગડીયા પેઢીઓનું સંચાલન અને વહીવટ પ્રતિપાલસિંહ જાડેજાનાઓ કરતા હતા તે દરમ્યાન ફરીયાદીએ પોતાની આંગડીયા પેઢીના હિસાબો ચેક કરતા ફરીયાદીને માલુમ પડેલ કે આરોપી (૧) પ્રતિપાલસિંહ સજુભા જાડેજા રહે. ઉપલેટા (૨) ભાવેશ વી. સુથાર તથા (૩) નોટરી એચ.કે. જૈન બન્ને રહે. અમદાવાદ (૪) તેજપાલસિંહ જાડેજા રહે. ભાવનગર (૫) હિતેશ ઉર્ફે લોગી ઘેલાણી રહે. ઉપલેટાવાળાઓએ ગુન્હાહિત કાવત્રુ રચી ફરીયાદીના ફોટા અને આધારકાર્ડ મેળવી ફરીયાદીના નામે અમદાવાદની એમ.કે. આંગડીયા પેઢીના સંચાલક સાથે ફ્રેન્ચાઈઝી કરાર ઉભો કરી અલગ - અલગ વેપારીઓ પાસેથી આંગડીયા પેઢીમાં આવેલ રકમ જે તે વ્યકિતને પહોંચાડવાને બદલે આરોપી પ્રતિપાલે કુલ રૂ. ૨,૪૫,૦૩,૯૯૦ અલગ અલગ સમયે આરોપી તેજપાલસિંહ, હિતેશ ઉર્ફે લોગી તથા અર્જુનસિંહને મોકલી આપેલ અને પોતાના અંગત ફાયદા માટે ફરીયાદીનું કરોડોનું નુકસાન કરેલ હોવાની ફરીયાદ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.

ગુન્હો દાખલ થતા આરોપી તેજપાલસિંહ જાડેજા તથા હિતેષ ઉર્ફે લોગી ઘેલાણીને પોલીસ ગુનાના કામે ધરપકડ કરશે તેવી દહેશત હોવાથી તેના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલતે અરજદાર તરફે થયેલ દલીલો ગ્રાહ્ય રાખી પોલીસ તપાસના કાગળો જોતા સહ તહોમતદારના નિવેદન સિવાય અરજદારોને ગુન્હામાં સીધી રીતે સાંકળી શકાય તેવો પુરાવો પોલીસ બતાવી શકેલ નથી ત્યારે અરજદારોને આગોતરા જામીન મળવાપાત્ર હોવાનુ જણાવી આગોતરા જામીન અરજી મંજુર કરેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સેશન્સ અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી સમયે એવી ટકોર કરી હતી કે ખરેખર જો ફરીયાદીના કહેવા મુજબની મસમોટી રકમોના રોકડ વ્યવહાર થયેલ હોય અને તે કાયદેસર ચોપડે લીધેલા ના હોય તો તે તમામ રકમ સરકારને જમા થવા પાત્ર બની જાય છે તેમજ આંગડીયા પેઢી દ્વારા ચલાવાતા મસમોટા રોકડ વ્યવહારોની કાયદેસરતા વિશેષણ ટકોર કરતા આંગડીયાના નામે રોકડ વ્યવહારોના ધંધા કરનારાઓમાં ફફડાટ મચી જવા પામી છે.

આ કામમાં અરજદાર તેજપાલસિંહ તતા હિતેશ ઘેલાણી વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા વિગેરે રોકાયેલ હતા.

(11:28 am IST)