Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કાલથી જુનાગઢમાં પૂ.રમેશભાઇ ઓઝાની ઓનલાઇન ભાગવત કથાનો પ્રારંભ

ગૌરક્ષનાથ આશ્રમે તૈયારીને આખરી ઓપઃ ભવનાથ મંદિરેથી પોથીયાત્રાઃ સાધુ-સંતો જોડાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૦ ગરવા ગિરનારની ગોદમાં ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ ખાતે પૂ.શેરનાથબાપુ દ્વારા આગામી તા.૧૧ જુલાઇ રવિવારથી ૧૮ જુલાઇ રવિવાર સુધી દરરોજ સવારે ૯:૩૦ થી બપોરે ૧:૩૦ સુધી પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ગિરનારી ભાગવતી કથા ગંગા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો મનોરથી શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઇ પંચમતીયા પરિવારના યજમાનપદે આયોજન કરાયુ છે.

રવિવારે સવારે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ.મુકતાનંદબાપુ તેમજ રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ પુ.ઇન્દ્રભારતીબાપુ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતીમાં શોભાયાત્ર યોજાશે અને કથાનો વિધીવત પ્રારંભ થશે. આ કથા દરમ્યાન તા.૧૫ના રોજ શ્રીકૃષ્ણ પ્રાગટય, તા.૧૬ના રોજ શ્રી ગિરીરાજપુજા તા.૧૭મીએ શ્રી રૂક્ષ્મણિ વિવાહ અને તા.૧૮મીએ કથા વિરામ લેશે.

કોરોના મહામારીને ધ્યાને લઇને સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સાધુ સંતો અને આગેવાનોની મર્યાદીત સંખ્યામાં કથા યોજાશે અને માત્ર આમત્રિતોને જ પ્રવેશ આપવામાં આવશે ત્યારે શ્રોતાઓએ પોતપોતાના ઘરે બેઠા સંસ્કાર ચેનલ અને સાન્દીપમિ ટીવી યુટયુબ ચેનલ ઉપર જીવંત પ્રસારણ થશે જેનો લાભ લેવા જણાવાયુ છે.

પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે શ્રીમદ ભાગવત શ્રીકૃષ્ણનું વાગ્મય સ્વરૂપ છે. શ્રવણ, પઠન, ગાયન ચિંતનથી પ્રભુમાં ચિત લાગે છે. પરમ ભગવદીય પંકજભાઇ પંચમતીયા પ્રજ્ઞાબહેન પંચમતીયા પરિવારના મનોરથથી બધાને ભગવાન ભવનાથના સાનિધ્યમાં જુનાગઢ ભાગવત જ્ઞાન યજ્ઞના સુખ અવસર પ્રાપ્ત થઇ રહયો છે તો હરિ કૃપાથી સૌને લાભ લેવા જણાવ્યું છે.આ ભાગવત સપ્તાહની સફળતા માટે સાન્દીપની પરિવાર પોરબંદર તેમજ પુ.શેરનાથબાપુ સદગુરૂ શ્રીત્રિલોકનાથજી બાપુ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ સેવક સમુદાય જહેમત ઉઠાવી રહયો છે અને છેલ્લા એકાદ માસથી આ ભાગવત કથાની તૈયારીઓ થઇ રહી છે જેને અંતિમ ઓપ   આપવામાં આવેલ.

રવિવારથી ગરવી ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના મુખે શ્રીહરિનો નાદ ગુંજશે અને શ્રોતાઓ તરબળો થશે.

(11:36 am IST)