Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ગોંડલ કોર્ટના મહિલા ટાઈપીસ્ટની લેન્ડ ગ્રેબીંગના પ્રયાસના ગુનામાં સ્પે. કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી

રાજકોટ, તા. ૧૦ :. ગોંડલ કોર્ટમાં ટાઈપીસ્ટ તરીકે કામ કરતા જીજ્ઞાબેન રાજ્યગુરૂએ સરકારી ખરાબાની જમીનની માગણી કરી ખાનગી માલિકીની જમીનની માપણી કરાવી લેન્ડ ગ્રેબીંગનો પ્રયાસ કરતા આગોતરા જામીન અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

વિકલાંગ વ્યકિત તરીકે સરકારી ખરાબાની જમીન ઉપર ૨-માથાભારે શખ્સોને પેટ્રોલ પંપ બનાવવા જમીન આપી દેવાનું કાવતરૂ નિષ્ફળ જતા ત્રણેય આરોપીઓ હાલમાં ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.

ગોંડલ તાલુકાના ચોરડી ગામના રે.સ. નં. ૧૮ પૈકી ૭ની સાડા ૫ વિઘા બીનખેતીની જમીનના માલિક જયાબેન ગજેરા હતા. ગોંડલ કોર્ટમાં ટાઈપીસ્ટ તરીકે છૂટક કામગીરી કરતા જીજ્ઞાબેન રાજેશભાઈ રાજ્યગુરૂને જે તે વખતના સર્કલ ઓફિસર સાથે ઓળખાણ હોય, આ ઓળખાણનો લાભ લઈ જીજ્ઞાબેને વિકલાંગ તરીકે રે.સ.નં. ૧૮ પૈકી ૧ની જમીનની માંગણી પેટ્રોલ પંપ બનાવવા માટે મજુર કરાવેલ. પરંતુ સ્થળ ઉપર જે જમીનની માપણી કરવામાં આવેલ તે. રે.સ.નં. ૧૮ પૈકી ૧ ના બદલે રે.સ.નં. ૧૮ પૈકી ૭ની કરાવવામાં આવેલ. આ રીતે જીજ્ઞાબેને બુદ્ધિપૂર્વકની રમત કરી જયાબેન ગજેરાની ખાનગી જમીન ઉપર કબ્જો જમાવવા પ્રયત્ન કરેલ. રેવન્યુ અધિકારી સમક્ષ આ અંગેનો વિવાદ ઉઠતા મામલતદાર તેમજ કલેકટર સહિતના તમામ અધિકારીઓએ  જીજ્ઞાબેનની આ માંગણી નામંજુર કરેલ. પરંતુ જીજ્ઞાબેનને આ જ જમીનનો કબ્જો જોતો હોય તેથી તેણીએ ઓમદેવસિંહ વાઘેલા અને રાજેન્દ્રસિંહ ઝાલાને આ જમીનનો હવાલો સોંપેલ.

આથી આ બન્ને ઈસમોએ જમીન માલિક જયાબેન ગજેરા અને તેના પતિ મનસુખભાઈ ગજેરાને ધમકી આપી આ જમીન ઉપર નહી આવવા માટે જણાવેલ. તેમ છતા ફરીયાદીએ પોતાના સાહેદને આ જમીન ઉપર ફેન્સીંગ કરવા મોકલેલ ત્યારે આ બન્ને ઈસમોએ ફોન ઉપર સાહેદ કેતનભાઈને જમીન ઉપરથી તાત્કાલીક જતા રહેવાની ધમકી આપેલ. આમ બનતા જમીન માલિક જયાબેન ગજેરાએ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ નોંધાવેલ. ધરપકડથી બચવા માટે આ ત્રણેય આરોપીઓએ આગોતરા જામીન કરેલ. જેમાં થયેલ હુકમ મુજબ ત્રણેયને ૭-દિવસની નોટીસ આપવામાં આવેલ. પરંતુ તેમ છતા તેઓ પૂછપરછ માટે હાજર ન થતા ત્રણેયની ધરપકડના માર્ગ ખુલ્લા થયેલ. આ સામે જીજ્ઞાબેન રાજ્યગુરૂએ ફરી આગોતરા જામીન અરજી કરતા આ બીજી જામીન અરજી પણ સ્પેશ્યલ જજે રદ કરેલ છે.

સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલ કે વિકલાંગ હોવાથી ફાયદો ઉઠાવી આરોપી જીજ્ઞાબેને સર્કલ ઓફિસર સાથેની પોતાની ઓળખાણનો લાભ લઈને જયાબેન ગજેરાની ખાનગી માલિકીની જમીનને સરકારી ખરાબાની જમીન ગણાવી આ જમીન હડપ કરવાનોે પ્રયાસ કરેલ છે. કલેકટર કચેરી સુધી આ પ્રયાસોમાં નિષ્ફળ ગયેલ હોવા છતા આ ત્રણેય આરોપીઓ જમીન માલિકને આ જમીનનો ઉપયોગ કરતા ગેરકાનૂની રીતે અટકાવે છે. તેથી વિકલાંગ માટેની સરકારની આવી લાભકારી નીતિનો ગેરઉપયોગ થતા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. આમ થતા જ્યારે આરોપી નાસતા-ફરતા હોય ત્યારે જીજ્ઞાબેન રાજ્યગુરૂની બીજી જામીન અરજી રદ કરવી જોઈએ. શ્રી સરકાર તરફેની આ રજૂઆત માન્ય રાખી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની ખાસ અદાલતે જીજ્ઞાબેન રાજ્યગુરૂની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

(12:59 pm IST)