Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કચ્છમાં કોરોના સામે તંત્રના હાથ ઉંચા : રેન બસેરામાં કલેકટરને ૫૫ દિ'થી અરજી કર્યા પછી પણ ટેસ્ટ કરાયો નહીં : હવે ૭ પોઝિટિવ

કોરોના સામે લડવાના સરકારના દાવા વચ્ચે કચ્છમાં વાસ્તવિકતા અલગ : જાણીતા સામાજિક કાર્યકર હેમેન્દ્ર જણસારીની હૈયાવરાળ

ભુજ તા. ૧૦ : કોરોના સામે જંગ લડવાની સરકારની જાહેરાતો અને દાવાઓનો કચ્છમાં છેદ ઉડી રહ્યો હોવાના કિસ્સાએ લોકોમાં ચર્ચા સાથે વેદનાનો માહોલ ખડો કર્યો છે. એક સાથે અહીં ત્રણ બાળકો સહિત કુલ ૭ પીઝિટિવ કેસ મળી આવ્યા પછી બીજા ના સેમ્પલ ટેસ્ટ કરવાનો ઇનકાર કરનાર તંત્રએ પોઝિટિવ દર્દીઓને પણ દાખલ કરવાની આનાકાની કરતાં આખોયે મામલો સામે આવ્યો છે. જોકે, મૂળ વાત સરકારની સૂચના અનુસાર ભુજ નગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ચલાવતા રેન બસેરાની છે.

ભુજમાં બેઘર લોકોને આશ્રય આપતાં રેનબસેરામાં રહેતા લોકોમાં કોરોના ટેસ્ટ સંદર્ભે આનું સંચાલન કરતી સંસ્થાએ કચ્છ કલેકટર પ્રવીણા ડીકેને ચાર ચાર પત્રો લખ્યા. પણ શું થયું? રેનબસેરાનું સંચાલન કરતી સંસ્થા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને કચ્છના જાણીતા સામાજિક કાર્યકર હેમેન્દ્ર જણસારી કહે છે કે, કોરોના સંદર્ભે કચ્છના વહીવટીતંત્રનો ખુબ જ કડવો અનુભવ થયો છે.

રેનબસેરામાં દાખલ ભરત દેવીપૂજકને તાવના લક્ષણો જણાતા તેમને ટેસ્ટ માટે ભુજની રાવલવાડીમાં સરકારી ડીસ્પેન્સરીમાં મોકલ્યા પણ ત્યાં એમ કહેવાયું કોરોના ટેસ્ટ માટે કીટ નથી. પછી માધાપર મોકલ્યા જયાં લડી ઝઘડીને ટેસ્ટ કરાવ્યો તો કોરોના પોઝિટિવ નીકળ્યો, પણ કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરાવવાની પ્રક્રિયા કરવાને બદલે દર્દીને લઈ જવા ફરજ પડાઈ પછી ભુજની કોવિડ હોસ્પિટલ અદાણી જીકે જનરલમાં જાતે લઈ ગયા તો દાખલ કરવાની ના પાડી.

કોરોના પોઝિટિવ દર્દીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાની ના બાબતે અંતે માથાકૂટ કરી ત્યારે માંડ એ દર્દી ભરત દેવીપૂજકને માંડ દાખલ કરાયો. પછી રેનબસેરામાં આશ્રય લઈ રહેલા અન્ય લોકોની તપાસ માટે લમણા ઝીક કરી ત્યારે ત્રણ બાળકો સહિત કુલ ૭ જણા પોઝિટિવ આવ્યા બાદ તંત્રએ બીજાઓની ચેકીંગ કરવાની ના પાડી દીધી. માતાએ તરછોડેલા ત્રણ બાળકો પોઝિટિવ છે, તેને કયાં દાખલ કરાયા એ કહેવા કોઈ તૈયાર નથી.

સામાજિક કાર્યકર હેમેન્દ્ર જણસારી હૈયાવરાળ ઠાલવતા કહે છે કે, કલેકટરના, ચીફ ઓફિસરના પત્રોને દાદ નહીં આપનાર તંત્રના અધિકારીઓ સાથે લડી ઝઘડીને કોરોનાના દર્દીઓની સારવાર કરાવવી પડે એ પરિસ્થિતિ દુઃખદ અને આઘાતજનક છે.

(10:32 am IST)