Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

હવે અમરેલી, ભુજ, દાહોદ, નડિયાદ, પોરબંદર, જૂનાગઢ પાસપોર્ટ કેન્દ્રો શરૂ

પાસપોર્ટની પ્રક્રિયા સરળ થશે, સોશ્યિલ ડિસ્ટન્સ સહિતની તકેદારી રાખવી જરૂરી

અમદાવાદ, તા.૧૦: કોરોનાને કારણે રાજયભરમાં પાસપોર્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ સહાયતા કેન્દ્રોની કામગીરી સ્થગિત કરી દેવાઇ હતી. જો કે, અમદાવાદની રિજનલ પાસપોર્ટ ઓફિસ જૂન મહિનાથી કાર્યરત કરી દેવાઇ છે. હવે અમરેલી, ભુજ, દાહોદ, નડિયાદ, પોરબંદર જૂનાગવઢ ખાતેના પાસપોર્ટ કેન્દ્ર ફરીથી કાર્યરત થયા છે. તેથી જે તે વિસ્તારના લોકોને પાસપોર્ટ માટે અમદાવાદનો ધક્કો ખાવો પડશે નહી. તેમને સ્થાનિક પાસપોર્ટ કેન્દ્ર પરથી જ સેવા મળી રહેશે. પાસપોર્ટ પ્રક્રિયા પણ વધુ સરળતાથી થાય તેવી વ્યવસથા ગોઠવાઇ છે. મહામારીને કારણે સોશ્યિલ ડિસ્ટન્સ સહિતની તકેદારી રાખવાનું પણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે.

દર વર્ષે ગુજરાતમાંથી છ લાખ કરતાં વધુ પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. રાજયમાં પાસપોર્ટ ઓફિસ, પાસપોર્ટ સહાયતા કેન્દ્રો અને પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત છે. માર્ચના અંતથી દેશભરમાં લોકડાઉનના કારણે પાસપોર્ટ ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી હતી. જૂન મહિનાથી પાસપોર્ટ ઓફિસ જરૂર મુજબના સ્ટાફ સાથે કાર્યરત કરવામાં આવી હતી અને પહેલા પેન્ડિંગ કેસ પૂરા કર્યા બાદ ધીરે ધીરે પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે અન્ય અમરેલી, ભુજ, દાહોદ, નડિયાદ, પોરબંદર, જૂનાગઢના પાસપોર્ટ કેન્દ્ર ફરી કાર્યરત થયા છે. અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ પાસપોર્ટ માટે એપોઇન્ટમેન્ટ લેનાર તમામને ફરજીયાત માસ્ક અને સેનિટાઇઝર સાથે પાસપોર્ટ કેન્દ્ર પર જવાનું રહેશે. સોશ્યિલ ડિસ્ટન્સ અને આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવાની ફરજીયાત રાખવામાં આવી છે.

(9:42 am IST)