Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સરકારી કચેરીમાં સ્પોર્ટસ કોટાની ભરતીમાં સિધ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ ભાગ લઇ શકશે

રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ મેળવવા ખેલાડીની યાદી બનશે

(વિનુ જોષી)જૂનાગઢ, તા.૧૦:  સરકાર શ્રી દ્વારા થનાર સ્પોર્ટસ કોટાની ભરતીમાં રાજય, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ મેળવેલ ખેલાડીઓ ભાગ લઇ શકશે.

ગુજરાત કે ભારત સરકારશ્રી ના વિવિધ વિભાગોમાં સ્પોર્ટસ કોટામાં ભરતી થવા ઇચ્છતા હોય એ ખેલાડીઓ કે જે રાજય કક્ષાએ વિજેતા થયેલ હોય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત રમી ચૂકયા હોય તેમજ ૧૮ થી ૩૦ વર્ષની વય ધરાવતા હોય તેવા ખેલાડીઓનો જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા બાયોડેટા બેઝ તૈયાર કરવામાં આવનાર છે.

આ માટે ખેલાડીઓએ ૮૧૪૧૧૦૭૬૭૪ પર વ્હોટ્સએપ કરવાનું રહેશે. જેમાં નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, સરનામું, વ્હોટ્સએપ મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ, મળેલ પદક ની વિગતો કયા વર્ષમાં કઈ રમતમાં, સિદ્ઘિ, વિજેતા ક્રમાંક વગેરે બાબતો મોકલવાની રહેશે. આ બાયોડેટા ડિજિટલ ડેટા બેઝ જૂનાગઢ રમતગમત કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે. જે રાજય/કેન્દ્ર સરકારની સ્પોર્ટસ કોટાની ભરતી દરમિયાન ઉપયોગી બનશે.

વધુમાં ખેલાડીઓ માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ સ્પોર્ટસ પર્સન એપ્લોયમેંટ ગાઈડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર ઉભુ કરવામાં આવશે.જે સ્પોર્ટસ કવોટાની ભરતીઓ દરમિયાન ખેલાડીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.

આ અંગે વધુ માહિતી માટે ખેલાડીઓએ જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સરદાર બાગ ખાતે રૂબરૂ સંપર્ક કરવો.

(11:31 am IST)