Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટોઃ ધુપ-છાંવનો માહોલ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયુ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે વિજળીના ચમકારા સાથે ૪૦ કિ. મી. ની ઝડપે પવન ફુંકાશે. દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. જયારે ૧ર મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે પવન ફુંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ થવાની શકયતા છે. નોંધનીય છે કે, આગાહી પ્રમાણે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. જો કે હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી સૂકાયા નથી ત્યાં ફરી વરસાદની આગાહી કરાઇ છે. રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧ર૧ ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ ચોમાસાની સિઝનના રર દિવસ બાકી છે.

(11:41 am IST)