Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

પોરબંદરના ડો. હર્ષદભાઇ ભટ્ટને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી માટે એશિયા પેસીફીક એવોર્ડ

પોરબંદર, તા. ૧૦ :  રામબા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડો. હર્ષદભાઇ ભટ્ટની એશિયા પેસીફીક ઇન્ટરનેશનલ એવોર્ડ તરીકે પસંદગી થતા પોરબંદર અને જુનાગઢ જિલ્લાના શિક્ષણ આલમમાં ખુશીની લાગણી પ્રસરી છે.

જુનાગઢ જિલ્લાના વતની અનેગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીના નાયબ શિક્ષણ નિયામક (વર્ગ-૧) અધિકારી તરીકે સેવા નિવૃત્ત થયેલા ડો. હર્ષદભાઇ ભટ્ટનું જન્મ સ્થળ માણાવદર છે. તેઓએ પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારી, જુનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા આર.જી. ટી. કોલેજના પ્રાચાર્ય તરીકે ફરજ બજાવી શિક્ષકો -વિદ્યાર્થીઓ અને લોકોમાં ભારે ચાહના મેળવી છે.

આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને વહીવટ ક્ષેત્રની પ્રખ્યાત સંસ્થા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એજયુકેશન એન્ડ મેનેજમેન્ટ, એશિયા દ્વારા ગુજરાતમાં શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એશિયા પેસીફીક એવોર્ડ માટે પસંદગી થઇ છે.

આ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આગામી ર૮ ઓકટોબર ર૦ર૦ના ન્યુ દિલ્હી ખાતે ઝુમ એપ્લીકેશન પર યોજાનારા સમારોહમાં આ શિક્ષણનો ગૌરવપ્રદ એવોર્ડ ડો. ભટ્ટને એનાયત કરાશે. આ એવોર્ડ સાથે ટ્રોફી અને એશિયા સર્ટીફીકેટ સંસ્થાના સેક્રેટરી ડો. એન. એસ.એન. બાબુ દ્વારા વૈશ્વિક કોરોનાની મહામારી કોવિડ-૧૯ને કારણે કુરિયર/ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે. ગાંધીનગર જી.સી.ઇ.આર.ટી.ના પૂર્વ નિયામક અને આર.જી.ટી. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડો. નલિન પંડિત, પૂર્વ નાયબ શિક્ષણ નિયમક ડો. શતિષ માંડલીક ડો. વી.બી. ભેંસદડિયા, પૂર્વ સચિવ આર.વી. રંગપરિયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન પાઠવેલ છે.

(11:43 am IST)