Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

પોરબંદરમાં શાળાઓ દ્વારા ૩ માસથી વધુ દિવસોની ફી વસુલી સામે રોષઃ એનએસયુઆઇ દ્વારા રજૂઆત

પોરબંદર, તા.૧૦: શાળાઓ દ્વારા ૩ મહિનાથી વધુ દિવસોની ફી વસુલ કરવા સામે રોષ વ્યકત કરીને એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી.

હાલ અનલોક-૪ ચાલી રહ્યું છે હજુ સુધી શિક્ષણ કાર્ય શરૂ થશે કે નહિ તે નક્કી નથી. ઓનલાઇન શિક્ષણ અમુક શાળાના શરૂ કરાયું છે તેમાં પણ વાલીઓમાં ઘણો વિરોધ જોવા મળ્યો હતો કેમ કે ઓનલાઇનમા ઘણી તકલીફો પોતાના બાળકને શિક્ષણ લેવામા થઇ રહી હતી, ત્યારે ઘણા વિરોધ બાદ હાઇકોર્ટના આદેશથી શાળાઓને ફી લેવા જણાવ્યું હતું એ પણ માત્ર શિક્ષણ ફી જ... શિક્ષણ ફી સિવાયની કોઇ પણ ફી વાલીઓ પાસેથી શાળાના સંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવશે નહિ અને ૩ માસની જ ફી લઇ શકાશે તેવો આદેશ કરાયો હતો.

હાલ વાલીઓની રજૂઆતને પગલે જાણમાં આવેલ છે કે પોરબંદર જિલ્લામાં ઘણી ખાનગી શાળાઓ દ્વારા ૩ માસથી વધુ ફી ઉઘરાણી કરવામાં આવે છે, ઉપરાંત શિક્ષણ ફી કેટલી છે એ પણ હજુ ઘણી ખાનગી શાળાઓ દ્વારા જાહેર કરાયું નથી ત્યારે પોરબંદર જિલ્લા એનએસયુઆઇ સમક્ષ આ આવેદન રૂપે રજૂઆત કરીએ છીએ કે જેટલી પણ શાળાઓ દ્વારા કેટલી શિક્ષણ ફી છે તે જાહેર કરવામાં આવે, વાલીઓ જાણ કરવામાં આવે કે તેમના બાળકની એટલી શિક્ષણ ફી ભરવાની છે ઉપરાત માત્ર ૩ માસની જ હાલ ફી ભરવાની છે તેવું જાહેર કરાય કારણે હાલ ઘણી વાલીઓ આ ફી ભરવાને લઇને મુંઝવણમાં છે. શિક્ષણ ફી કેટલી છે એ પણ એમને ખબર નથી. હાલ શાળાઓ દ્વારા ૧ માસની પણ ફી મંગાઇ રહી છે,  ઉપરાત જેટલી પણ શાળાઓ ૩ માસથી વધુની ફી ઉઘરાણી કરે છે તેમને નોટિસ ફટકારવામાં આવે તેવી માંગ કરીને જો આગામી દિવસોમાં આ બાબતે કોઇ યોગ્ય કરાશે નહિ તો વાલીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.

(12:45 pm IST)