Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વિછીયાના થોરીયાળીના ભરતભાઇનું અપહરણ કરી ઓરી ગામે લઇ જઇ ધોલધપાટઃ હાથ ભાંગી નાંખ્યો

હુમલાખોરોની બહેન સાથે ભરતભાઇને લફરૂ હોવાની શંકા કારણભુતઃ માર મારી ફરી ઘરે મુકી ગયા

રાજકોટ તા. ૧૦: વિછીયાના થોરીયાળી ગામે રહેતાં ભરતભાઇ કાનજીભાઇ રાજપરા (ઉ.વ.૪૫) નામના કોળી આધેડ સાંજે ઘરે હતાં ત્યારે બે શખ્સે ઘરે આવી 'ભરતભાઇ તમારું બસ સ્ટેશને કામ છે, આવો તો ભેગા' કહી બાઇકમાં વચ્ચે બેસાડી બસ સ્ટેશનને બદલે ઓરી ગામની સીમમાં વાડીએ લઇ જઇ ધોકાથી બેફામ માર મારી પરત ઘરે મુકી જતાં ભરતભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. તેણે હુમલામાં હાથ ભાંગી ગયાનું કહ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિછીયા પોલીસને જાણ કરી હતી. ભરતભાઇને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે. પોતે છુટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે ચાર વર્ષ પહેલા અમારા ગામમાં સાસરે એક બહેનને ફોનની જરૂર હોઇ મેં ઉછીનો આપ્યો હતો. એ પછી ફોન તેના પતિએ તોડી નાંખ્યો હતો. હવે આ બહેન તેના પિયરે છે. તેના ભાઇઓને એવી શંકા હતી કે મારે આ બહેન સાથે કોઇ લફરૂ છે. આ શંકાને અધારે મને બસ સ્ટેશને કામ છે તેમ કહી બાઇકમાં બે શખ્સ વચ્ચે બેસાડી ઓરી ગામે લઇ ગયા હતાં બેફામ માર મારી ઘરે મુકી ગયા હતાં. વિછીયા પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:24 am IST)