Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાણપુરના ઉમરાળાના ત્રણ યુવાનોના રાજસ્થાનમાં અકસ્માતમાં મોત

જામફળ વહેચવા ગયેલા : બંધ ટ્રક પાછળ કાર ઘૂસી : વતનમાં અગ્નિદાહ અપાયો : ગામ સ્વયંભૂ બંધ રહ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૦: રાણપુર તાલુકાના ઉમરાળા ગામના ૩ યુવાનો જામફળ વહેંચવા રાજસ્થાન જઈ રહ્યા હતા. પાલી જિલ્લાના સાંડેરાવ ગામ પાસે બંધ પડેલા ટ્રક પાછળ યુવકોની કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણેય યુવાનોના કરૂણ મોત નીપજયાં હતા. યુવાનોના મૃતદેહને વતન લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ઉમરાળા ગામે સ્વયંભુ બંધ પાળ્યો હતો. ત્રણ યુવકોના મોતને લઈ ગ્રામજનો શોકમગ્ન બની ગયા હતા.

રાણપુર તાલુકામાં આ વર્ષે જામફળનું ઉત્પાદન વિપુલ માત્રામાં થયું છે. વધુ ઉત્પાદન અને આવક વધતા ગુજરાતમાં જામફળના ભાવ તળીયે બેસી ગયા છે. ખેડૂતો રૂ. ૨થી ૩ અને છૂટક બજારમાં ૫થી ૧૦ રૂપિયામાં કિલો જામફળ વહેંચાઈ રહ્યા છે. રાજસ્થાનમાં જામફળના ભાવ વધુ મળવાની આશાએ કસવીર જુંજાભાઈ વસાણી, આકેશ ભુપતભાઈ લીંબડીયા અને પ્રવિણ ભુપતભાઈ વસાણી તા.૭ નવેમ્બરની રાતે પીકઅપ વાનમાં જામફળ ભરીને જોધપુર જવા નીકળ્યાં હતા. સાંડેરાવ ગામ નજીક રસ્તામાં પડેલી બંધ ટ્રક પાછળ યુવાનોની કાર દ્યૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૨૫ વર્ષીય કસવીર વસાણી અને ૨૦ વર્ષના આકેશ લીંબડીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. ૨૨ વર્ષીય પ્રવિણ વસાણી ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિકો દ્વારા પ્રવિણ વસાણીને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે અડધા રસ્તે તેનું પણ કરુણ મોત નીપજયું હતું.

ઉમરાળા ગામે અકસ્માતના સમાચાર મળતા ત્રણેય યુવાનોના પરિવાર સાથે ગ્રામજનો શોકમગ્ન બની ગયા હતા. તા.૯ નવેમ્બરના રોજ ત્રણેય યુવાનોના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામના સ્મશાને લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે આખું ઉમરાળા ગામ હીબકે ચડયું હતું. ત્રણેય આશાસ્પદ યુવાનોને અંતીમ વિદાય આપવા આજુબાજુના ગામના લોકો પણ અંતીમયાત્રામાં જોડાયા હતા. પરિવારજનોએ ભારે હૃદયે ત્રણેય યુવાનોના અગ્નિ સંસ્કાર કર્યાં હતા. ત્રણેય યુવાનોના મોતના શોકને કારણે ઉમરાળા ગામે સ્વયંભુ બંધ પાળ્યો હતો.

(11:25 am IST)