Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જુનાગઢ જેલમાંથી પેરોલજંપ કરનાર કેદી આદીલ સોલંકી થોરાળામાંથી ઝડપાયો

રાજકોટમાં ભાડે મકાનની તપાસ કરતો'તો ત્યાં થોરાળા પોલીસે દબોચ્યો

રાજકોટ, તા.૧૦ : જુનાગઢમાં હત્યાની કોશિષ અને હથિયારના ગુનામાં જૂનાગઢ જેલમાંથી પેરોલજંપ કરનાર શખ્સ રાજકોટ થોરાળા પોલીસે થોરાળામાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે દિવાળીના તહેવાર અંતર્ગત વિસ્તારમાં પેટ્રોલીંગ રાખવા માટે સૂચના આપતા થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એલ. બારસીયા, હેડ કોન્સ. આનંદભાઇ, ગોવિંદભાઇ, જયંતીભાઇ ગોવાણી, ભરતભાઇ ડાભી, ધર્મેશભાઇ, દિવ્યેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે થોરાળામાં પાનની દુકાન પાસે એક શખ્સને શંકાના આધારે પકડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ આદીલ રજાકભાઇ સોલંકી (રહે. જૂનાગઢ  સુખનાથ ચોક જમાલવાડીમાં) આપ્યું હતું. પોલીસે તપાસ કરતા આદીલ સોલંકી હત્યાની કોશિષ અને ગેરકાયદેસર હથિયારના ગુનામાં જુનાગઢ જેલમાંથી પેરોલ રજા પર છૂટયા બાદ ફરાર હોવાનું જાણવા મળતા પોલીસે તેની અટકાયત કરી જૂનાગઢ જેલ હવાલે કર્યો હતો. આદીલ જેલમાંથી પેરોલ રજા પર છૂટયા બાદ રાજકોટ જંગલેશ્વરમાં સંબંધીના ઘરે રહેતો હતો અને રાજકોટમાં રહેવા માટે થોરાળા વિસ્તારમાં તે ભાડે મકાનની તલાશમાં નીકળ્યો હતો તે અગાઉ હત્યાની કોશિષ, હથિયાર, મારામારી, ધમકી સહિત ૧ર જેટલા ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(11:27 am IST)