Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પોરબંદરમાં સાંઢીયા ગટરના નબળા કામની તપાસ કરવા કોંગ્રેસની માગણીઃ ધરણા યોજાયા

પોરબંદર તા. ૧૦ :.. સાંઢિયા ગટરનું ભારત સરકારના ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી થઇ રહેલ કામ નબળા હોવાનો કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કરીને પુરતી તપાસ કરવાની માગણી સાથે ધરણા કર્યા હતાં.

ધરણા બાદ વડાપ્રધાન શહેરી વિકાસ મંત્રાલય નવી દિલ્હી તથા ગાંધીનગર સહિત સત્તાવાળાઓને આવેદન પત્રો કલેકટર વહીવટદાર હસ્તક મોકલી આપેલ હતાં.

રજુઆતમાં જણાવેલ છે કે શહેરમાં સાંઢીયા ગટર પોરબંદરનાં રણમાંથી બિરલા હોલમાં થઇને પસાર થઇ રહેલ છે. અને આ ગટર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ દ્વારા બનાવવામાં આવેલ ધીરેન્દ્રભાઇ મહેતા હોલના બાંધકામ વખતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બ્લોક કરી દેવામાં આવી છે.

સાંઢીયા ગટરનું કામના ટેન્ડર કહેવાતા ભ્રષ્ટાચાર કરવાના ઇરાદાથી ત્રણ પીસમાં નગરપાલીકાએ કાઢેલ છે. અંદાજે ટોટલ કામ ૧ કરોડ ૪૦ લાખ રૂપિયાનું છે. ૧૪ માં નાણાપંચની માર્ગદર્શિકાની વિરૂધ્ધ સાંઢીયા ગટરની સફાઇના કામની ચેઇને જ પોરબંદર શહેરના સોનેરી મેડીકલથી શરૂ કરેલ છે. અને ઇરાદાપૂર્વક બિરલા હોલથી સોનેરી મેડીકલ સુધીની ચેઇને જ સાફ સફાઇ અને રીનોવેશનમાં ડ્રોપ કરી દીધેલ છે.

કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાની આગેવાની શહેર કોંગ્રેસ યુવક કોંગ્રેસ અને મહિલા આગેવાનો દ્વારા ધરણા કરી નગરપાલિકામાં ચીફ ઓફીસર, વહીવટદાર તેમજ પોરબંદર જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને આ ભ્રષ્ટાચારની માહિતી આપી.

અને ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેદન આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

(11:33 am IST)