Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પોરબંદર જિલ્લામાં રાત્રે ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડી શકાશેઃ કલેકટરનું જાહેરનામું

ચોપાટી રીવર ફ્રન્ટ બજારો જેવા જાહેર સ્થળોએ ફટાકડા ફોડવાની મનાઇ ફરમાવી

પોરબંદર, તા., ૧૦: જીલ્લામાં ફટાકડા અંગે કલેકટર દ્વારા પ્રસિધ્ધ જાહેરનામામાં રીવરફ્રન્ટ કે ચોપાટી ખાતે ફટાકડા ફોડી શકાશે નહી તેમજ જીલ્લામાં રાત્રે ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડી શકાશે તેમ જણાવેલ છે.

દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોરબંદર જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા માટે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

સીરીઝમાં જોડાયેલા ફટાકડા, ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. હાનીકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર પીઇએસઓ સંસ્થા દ્વારા અધિકૃત  બનાવટવાળા અને માન્ય ધ્વની સ્તરવાળા જ ફટાકડા વેચી વાપરી શકાશે. હોસ્પીટલ નર્સીગ હોમ આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણીક સંસ્થાઓ ન્યાયલયો ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજીયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી તેમ જાહેરનામામાં જણાવેલ છે.

કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી. રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહી. ઇ-કોમર્સ વેબસાઇટ ફલીપકાર્ડ, એમેઝોન, સહીતની કોઇ પણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી. ઓનલાઇન  વેચાણ કરી શકાશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય કોઇ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર  જિલ્લાના ચોપાટી,  અસ્માવતી રીવર ફ્રન્ટ બજારો, શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલપીજી બોટલીંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, આતશબાજ બલુનનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહી. આ જાહેરનામું તા.૯-૧૧-ર૦ર૦ થી તા.૧-૧ર-ર૦ર૦ સુધી અમલમાં રહેશે.

(12:58 pm IST)